India

સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનમાં ભીષણ આગ

સ્ટેશન પર ઉભેલી ટ્રેનના ડબ્બામાં અચાનક ધુમાડા બાદ મચી અફરાતફરી,બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર મોટી ઘટના, મુસાફરોમાં ભાગદોડ; ફાયર બ્રિગેડે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો

બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર રવિવારે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી હતી. ઘટના સમયે ટ્રેન સ્ટેશન પર ઉભી હતી અને મુસાફરો ટ્રેનમાં ચઢી રહ્યા હતા. અચાનક ડબ્બામાંથી ધુમાડો નીકળતા પ્લેટફોર્મ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોમાં ચીસાચીસ અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

માહિતી મુજબ આગ સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક જનરલ કોચમાં લાગી હતી. શરૂઆતમાં ધુમાડો દેખાતા જ મુસાફરો ગભરાઈ ગયા હતા. થોડા જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. સ્ટેશન પર હાજર રેલવે સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ તરત જ મુસાફરોને ડબ્બામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થવાને કારણે આગ અન્ય ડબ્બાઓ સુધી ફેલાઈ નહોતી અને મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કેટલાક મુસાફરોને ગભરાટ અને ધુમાડાના કારણે તકલીફ અનુભવાઈ હતી.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેન સ્ટેશન પર ઉભી હતી ત્યારે અચાનક કોચમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. બાદમાં તેમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેક્નિકલ ટીમ દ્વારા કોચની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાના કારણે સાસારામ સ્ટેશન પર થોડા સમય માટે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે અચાનક ધુમાડો દેખાતા લોકો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા.

વાયરલ વીડિયોમાં ટ્રેનના ડબ્બામાંથી ઊંચી જ્વાળા અને ઘાટો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. લોકો પ્લેટફોર્મ પરથી દૂર ભાગતા અને રેલવે સ્ટાફ મુસાફરોને સલામત સ્થળે ખસેડતો પણ વીડિયોમાં જોવા મળે છે. ઘટનાએ રેલવે સુરક્ષાને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે.રેલવે વિભાગે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ અધિકારીઓએ જણાવ્યું છે કે આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ બાદ જ સંપૂર્ણ માહિતી સામે આવશે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવશે.

તાજેતરના સમયમાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાતા મુસાફરોમાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને જૂના કોચ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની યોગ્ય સમયસર તપાસ ન થવાના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોવાની ચર્ચા થઈ રહી છે. હવે આ ઘટનાને લઈને રેલવે વિભાગ કેટલા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top