World

UAEની ઈરાનને કડક ચેતવણી : “સુરક્ષાને ખતરો સહન નહીં કરીએ”

બરાકાહ ન્યૂક્લિયર પ્લાન્ટ પાસે ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ

ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે UAEનો આક્રમક વલણ, હોર્મુઝ જળમાર્ગથી વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો ભૂરાજકીય સંકટ હવે વધુ ગંભીર બની રહ્યો છે. ઈરાન, ઇઝરાયેલ, અમેરિકા અને યુનાઇટેડ અરબ અમીરાત (UAE) વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. સોમવારે પરિસ્થિતિ વધુ બગડી ગઈ જ્યારે UAEના અલ ધફરા વિસ્તારમાં આવેલા બરાકાહ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ નજીક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાવી દીધી છે.

UAE સરકારે આ હુમલાને “ઉશ્કેરણી વગરનો આતંકવાદી હુમલો” ગણાવ્યો છે અને સ્પષ્ટ ચેતવણી આપી છે કે દેશ પોતાની સુરક્ષા અને સવર્ણતાને ખતરો પહોંચાડનાર કોઈ પણ તાકાતને સહન નહીં કરે. UAEના અધિકારીઓએ જણાવ્યું કે ડ્રોન હુમલાથી પ્લાન્ટની બહાર વીજળી જનરેટર વિસ્તારમાં આગ લાગી હતી, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી અને રેડિયેશન લીક જેવી કોઈ ગંભીર ઘટના પણ બની નહોતી. તમામ સુરક્ષા સિસ્ટમ્સ સંપૂર્ણ રીતે કાર્યરત હોવાનું પણ સત્તાવાર રીતે જણાવાયું છે.

UAEના રક્ષા મંત્રાલયે માહિતી આપી કે ત્રણ ડ્રોન પશ્ચિમ સરહદ તરફથી દેશના હવાઈ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. જેમાંથી બે ડ્રોનને ટાર્ગેટ સુધી પહોંચતા પહેલાં જ હવાઈ સુરક્ષા દળોએ નષ્ટ કરી દીધા હતા. જોકે એક ડ્રોન પાવર પ્લાન્ટ નજીક પહોંચતા આગ લાગી હતી. આ હુમલા બાદ UAEમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મહત્વપૂર્ણ ઔદ્યોગિક તથા પરમાણુ સંકુલોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.આ સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રાલયે પણ “ઘેરી ચિંતા” વ્યક્ત કરી છે. ભારતે આ ઘટનાને “ખતરનાક ઉશ્કેરણી” ગણાવી તમામ પક્ષોને સંયમ રાખવા અને સંવાદ-રાજદ્વારી દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)એ પણ ઘટનાને ગંભીર ગણાવી છે. એજન્સીએ જણાવ્યું કે હુમલા બાદ એક રિએક્ટરને ઇમરજન્સી ડીઝલ જનરેટર દ્વારા વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. સાથે જ IAEAએ પરમાણુ સંકુલોની આસપાસ “સર્વોચ્ચ સૈન્ય સંયમ” રાખવાની અપીલ કરી છે.બીજી તરફ મધ્ય પૂર્વમાં રાજદ્વારી હલચલ પણ તેજ બની ગઈ છે. અમેરિકા અને ચીન સહિત વૈશ્વિક શક્તિઓ સંઘર્ષ વધુ ન ફેલાય તે માટે પ્રયાસો કરી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમની અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઈરાન મુદ્દે ચર્ચા થઈ હતી અને બંને દેશો હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્લો રહે તે ઇચ્છે છે.

ટ્રમ્પે વધુમાં એવો દાવો પણ કર્યો કે શી જિનપિંગે ખાતરી આપી છે કે ચીન ઈરાનને કોઈ સૈન્ય સાધનો અથવા હથિયારોની મદદ નહીં કરે. હોર્મુઝ જળમાર્ગ હાલમાં સમગ્ર વિશ્વ માટે સૌથી સંવેદનશીલ મુદ્દો બની ગયો છે કારણ કે વિશ્વના લગભગ 20 ટકા કાચા તેલનો પુરવઠો આ માર્ગથી પસાર થાય છે. ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે વધતા તણાવને કારણે આ જળમાર્ગમાં અવરોધ ઊભો થવાની ભીતિ વધી રહી છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ પણ અટકતો દેખાઈ રહ્યો નથી. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહી ચાલુ છે. લેબનોનની સરકારી મીડિયાના અહેવાલો અનુસાર અનેક ગામોમાં બોમ્બમારો થયો છે જેના કારણે લોકો સિદોન અને બૈરૂત તરફ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. યુદ્ધવિરામ જાળવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવા છતાં સરહદી વિસ્તારોમાં અથડામણો યથાવત છે.

વેસ્ટ બેંક વિસ્તારમાં પણ તણાવ વધી રહ્યો છે. પેલેસ્ટિનિયન અધિકારીઓએ દાવો કર્યો કે જેનિન રિફ્યુજી કેમ્પ નજીક ઇઝરાયેલી દળોએ એક વ્યક્તિને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં વધુ ગુસ્સો અને અશાંતિ ફેલાવી છે. આ યુદ્ધસમાન પરિસ્થિતિની આર્થિક અસર પણ હવે સ્પષ્ટ જોવા મળી રહી છે. ઈરાન દ્વારા દરિયાઈ પરિવહન પર લગાવવામાં આવેલા નિયંત્રણોના કારણે ઈરાકે હોર્મુઝ જળમાર્ગ મારફતે થતા તેલ નિકાસમાં ભારે ઘટાડાની માહિતી આપી છે. તેલ પુરવઠામાં વિક્ષેપના કારણે વૈશ્વિક બજારોમાં કાચા તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં હાલની પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો વિશ્વભરમાં ઊર્જા સંકટ ઊભું થઈ શકે છે. ખાસ કરીને એશિયા અને યુરોપના દેશો માટે પેટ્રોલિયમ સપ્લાય પર મોટી અસર પડી શકે છે. ઘણા દેશોએ વૈકલ્પિક સપ્લાય રૂટ્સ શોધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ટકી રહી છે. એક તરફ યુદ્ધનો ખતરો વધતો જઈ રહ્યો છે તો બીજી તરફ રાજદ્વારી પ્રયાસો દ્વારા સંઘર્ષ અટકાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. પરંતુ તેહરાન, વોશિંગ્ટન અને તેલ અવિવ તરફથી આવી રહેલા આક્રમક નિવેદનોને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top