Columns

ભારતીય રાજકારણની સાત પ્રભાવશાળી જુગલબંદીઓ: એક ઐતિહાસિક વિશ્લેષણ

6 ઓગસ્ટ 2019ના રોજ હું બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં મારા સાથીદારો સાથે કોફી પી રહ્યો હતો. અમે કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા અંગે ચર્ચા કરી રહ્યા હતા, જે તેના આગલા દિવસે જ કરવામાં આવી હતી. ટેબલ પર બેઠેલા એક યુવાન સભ્યે, જે કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા, ટિપ્પણી કરી: ‘આ જે આપણે જોઈ રહ્યા છીએ તે મોદી 2.0 નથી, પણ શાહ 1.0 છે’. સ્વાભાવિક છે કે, તે નવા ગૃહમંત્રી જ હતા, જેમણે ભારતના એક માત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યનો દરજ્જો ઘટાડવાનું આયોજન અને સંચાલન કર્યું હતું. કદાચ આને ‘શાહ 1.0’ તરીકે જોવું એ અતિશયોક્તિ હોઈ શકે, પરંતુ હવે એમાં કોઈ શંકા નહોતી કે અમિત શાહ માત્ર સરકારમાં બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ નહોતા, પરંતુ વડા પ્રધાન સિવાયના એકમાત્ર મંત્રી હતા જેમની પાસે સાચી સત્તા અને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતા હતી.

મોદી-શાહની આ જુગલબંદીના ભૂતકાળમાં પણ ઉદાહરણો રહ્યાં છે. સ્વતંત્ર ભારતનાં શરૂઆતનાં વર્ષોમાં જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ વચ્ચેની ભાગીદારીનો વિચાર કરો. જ્યારે સમકાલીન રાજકારણની ઝેરીલી દલીલો તેમને હરીફો અને વિરોધીઓ તરીકે રજૂ કરે છે, હકીકતમાં તેઓ મિત્રો, સાથીદારો અને સહકાર્યકરો હતા. ભાગલાનાં ખંડેરો વચ્ચે અછત અને વંચિતતા, સંઘર્ષ અને વિભાજનના પડકારોનો સામનો કરતાં સમયે, જો નેહરુ અને પટેલે સાથે મળીને કામ ન કર્યું હોત તો એક સંયુક્ત અને લોકશાહી ભારત ક્યારેય અસ્તિત્વમાં ન આવ્યું હોત.

રજવાડાંઓને એકસાથે લાવીને ભારતને પ્રાદેશિક રીતે એક કરવામાં, વહીવટી તંત્રનું આધુનિકીકરણ કરવામાં, હિન્દુ જમણેરી અને ડાબેરી સામ્યવાદી ઉગ્રવાદીઓને કાબૂમાં લેવામાં અને બી. આર. આંબેડકર દ્વારા નિર્દેશિત બંધારણ નિર્માણની પ્રક્રિયાને સમર્થન આપવા માટે આગ્રહી કોંગ્રેસને તૈયાર કરવામાં પટેલે અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેવી જ રીતે, નેહરુએ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ અને મહિલાઓને સમાન અધિકારોની ખાતરી આપીને અને ઉચ્ચ વર્ગના વિરોધ છતાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારની હિમાયત કરીને ભારતને ભાવનાત્મક રીતે એક કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.

ચોક્કસપણે, નેહરુ અને પટેલ વચ્ચે મતભેદો હતા. આમ છતાં તેઓએ વ્યાપક રાષ્ટ્રીય હિતમાં તેને ડામી દેવા માટે વીરતાપૂર્વક કામ કર્યું. એ પણ સાચું છે કે તેમને આંબેડકર જેવા નોંધપાત્ર સક્ષમ મંત્રીઓ અને સક્ષમ સનદી અધિકારીઓનો સાથ મળ્યો હતો. આમ છતાં, ઐતિહાસિક સંશોધનોએ સત્તાવાર રીતે સાબિત કર્યું છે કે રાષ્ટ્રના નિર્માણમાં તેમની ભાગીદારીની ભૂમિકા કેન્દ્રીય અને નિર્ણાયક હતી. (મારા પોતાના પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ ઉપરાંત, વાચકો રાજમોહન ગાંધી દ્વારા લખાયેલ વલ્લભભાઈ પટેલનું સંશોધન આધારિત જીવનચરિત્ર વાંચી શકે છે.) ડિસેમ્બર 1950માં પટેલના અવસાન અને તેના પછીના વર્ષે આંબેડકરના રાજીનામા પછી નેહરુ કેબિનેટના તમામ આંકડાઓ પર વર્ચસ્વ ધરાવતા હતા, જે કદાચ એક મિશ્ર આશીર્વાદ સમાન હતું.

ભારતીય રાજકારણને વ્યાખ્યાયિત કરનારી આગામી બેલડી 1960ના દાયકાના અંતમાં ઉભરી આવી, જ્યારે વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ ભૂતપૂર્વ રાજદ્વારી પી. એન. હકસરને તેમના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા. હકસર ટૂંક સમયમાં જ શ્રીમતી ગાંધીના કોઈ પણ કેબિનેટ મંત્રી કરતાં વધુ શક્તિશાળી બની ગયા. 1970 અને 1975ની વચ્ચે, તેઓ તેમના જમણા હાથ અને સૌથી પ્રભાવશાળી સલાહકાર હતા. તેમણે વડા પ્રધાનની સૌથી ગૌરવશાળી ક્ષણ-બાંગ્લા દેશની આઝાદી-ના આયોજનમાં અને કૃષિ તેમજ અવકાશ જેવા મહત્ત્વનાં ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વિજ્ઞાનને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવી હતી.

બીજી તરફ, શ્રીમતી ગાંધીની કેન્દ્રીયકરણ અને નિયંત્રણની નુકસાનકારક આર્થિક નીતિઓ ઘડવામાં પણ હકસર નિમિત્ત બન્યા હતા.1975માં વડા પ્રધાનના બીજા પુત્રના પક્ષમાં હકસરને બાજુ પર મૂકવામાં આવ્યા હતા. ઈન્દિરા અને સંજય ગાંધી વચ્ચેની ભાગીદારી નાગરિક સ્વતંત્રતાના દમન, મીડિયા પર સેન્સરશીપ, ન્યાયતંત્રને વશ કરવા, અમલદારશાહી અને પોલીસને માતા અને પુત્રના તાબેદાર બનાવવા અને તમામ રાજકીય વિરોધીઓને જેલમાં ધકેલી દેવા દ્વારા દેશના સરમુખત્યારશાહી તરફના પતન માટે જવાબદાર હતી અને ઈન્દિરા ગાંધી અને પી. એન. હકસર વચ્ચેની ભાગીદારીથી વિપરીત, આમાં કોઈ સકારાત્મક પાસું જ નહોતું.

સરકારમાં ઉભરેલી આગામી નોંધપાત્ર ભાગીદારી વર્ષ 1991-1996 દરમિયાન વડા પ્રધાન પી. વી. નરસિંહરાવ અને નાણાંમંત્રી મનમોહનસિંહ વચ્ચેની હતી. રાવ અને સિંહે સાથે મળીને દેશને લાયસન્સ-પરમિટ-ક્વોટા રાજમાંથી મુક્ત કરવામાં મદદ કરી, જેનાથી ત્રણ દાયકાના સતત આર્થિક વિકાસની શરૂઆત થઈ, જેણે ગરીબીમાં મોટો ઘટાડો કર્યો છે, એક વિશાળ મધ્યમ વર્ગ ઊભો કર્યો છે અને વિશ્વમાં ભારતનું કદ વધાર્યું છે.

ત્યાર બાદ અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેની ભાગીદારી આવી. 1980 અને 1990ના દાયકામાં, તેઓએ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પાર્ટી સામે મુખ્ય રાષ્ટ્રીય પડકારરૂપ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. જ્યારે 1998 અને 2004ની વચ્ચે ભાજપ સત્તામાં હતો ત્યારે વાજપેયીએ વડા પ્રધાન તરીકે અને અડવાણીએ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓએ યશવંત સિંહા અને જસવંત સિંહ જેવા લાયક કેબિનેટ સાથીદારોની મદદથી રાવ અને સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક ઉદારીકરણના માર્ગને ચાલુ રાખ્યો. તે દરમિયાન, હકીકત એ હતી કે તેઓ માત્ર બહુપક્ષીય ગઠબંધનના ભાગરૂપે જ શાસન કરી શકતા હતા. તેનો અર્થ એ હતો કે સંઘ પરિવારની બહુમતીવાદી વૃત્તિઓને સંપૂર્ણપણે મોકળો માર્ગ મળ્યો નહોતો. (વાજપેયી-અડવાણી જુગલબંદીનું વિશ્લેષણ વિનય સીતાપતિ અને અભિષેક ચૌધરીની તાજેતરની રચનાઓમાં કરવામાં આવ્યું છે.)

2004માં ભાજપે અનપેક્ષિત રીતે સત્તા ગુમાવી. તે પછીના દાયકા સુધી દેશમાં કોંગ્રેસના વર્ચસ્વવાળા બહુપક્ષીય ગઠબંધનનું શાસન હતું. ફરી એક વાર, બે વ્યક્તિઓએ અન્ય તમામ કરતાં વધુ સત્તા ભોગવી: વડા પ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, સિંહના નિર્દેશન હેઠળ દેશની આર્થિક પ્રગતિ પ્રભાવશાળી રહી; સોનિયા અને તેમની રાષ્ટ્રીય સલાહકાર પરિષદના માર્ગદર્શન હેઠળ ગરીબો માટે સામાજિક સુરક્ષા કવચ ઊભું કરવાના મૂલ્યવાન પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાગીદારીના આ ફાયદાઓ કમનસીબે સત્તાનું સાચું કેન્દ્ર કોણ છે તેની અસ્પષ્ટતાને કારણે ધોવાઈ ગયા હતા. તે ચોક્કસપણે વડા પ્રધાન હોવા જોઈતા હતા; તેમ છતાં સ્વભાવે સિંહ ડરપોક અને જોખમ લેવાનું ટાળતા હતા અને સોનિયા ગાંધીને માત્ર તેમના જ અધિકારક્ષેત્ર હેઠળ આવતી બાબતોમાં (જેમ કે શિક્ષણ નીતિ) વધુ પડતી દખલગીરી કરવા દીધી હતી.

અને હવે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના રૂપમાં, આપણી પાસે આપણા રાજકારણમાં સાતમી ડ્યુઓપોલી (બે વ્યક્તિનું વર્ચસ્વ) છે, જેમાં બે વ્યક્તિઓ અને તેમની ભાગીદારીએ ભારત અને ભારતીયોની બાબતોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સમયના સંદર્ભમાં, આ અહીં ચર્ચાયેલી તમામ જુગલબંદીઓમાં સૌથી લાંબી ચાલનારી છે. મોદી અને શાહે 2002થી 2014 વચ્ચે ગુજરાતના રાજકારણમાં અને 2014થી રાષ્ટ્રીય રાજકારણમાં એકબીજા સાથે મળીને કામ કર્યું છે.

આ સમયગાળામાં, તેઓએ ક્યારેય રાજકીય સત્તા ગુમાવી નથી; ખરેખર, તેઓએ પહેલાં ગુજરાતને એક પાર્ટીવાળું રાજ્ય બનાવીને અને પછી સમગ્ર ભારતમાં ભાજપનાં પદચિહ્નો વિસ્તારીને પોતાની સત્તા વધારી છે. જ્યારે રાજકીય દીર્ઘાયુષ્ય અને રાજકીય સફળતાની દૃષ્ટિએ જોવામાં આવે ત્યારે મોદી-શાહની ભાગીદારી પ્રભાવશાળી લાગે છે. છતાં જો કોઈ જુએ કે તેઓએ કેવી રીતે સત્તા મેળવી છે અને સત્તામાં આવ્યા પછી શું કર્યું છે, તો તેમનો રેકોર્ડ ઘણો ઘેરો છે.

સત્તા હાંસલ કરવા માટે તેઓએ દબાણ અને લાંચના મિશ્રણ દ્વારા હરીફ પક્ષોને તોડ્યા છે, પ્રેસને ડરાવ્યું છે અને તેને વ્યક્તિગત અને પક્ષના પ્રચારનું વાહન બનાવ્યું છે, ન્યાયતંત્રને વશ કર્યું છે, વિરોધ કરનારાઓને (અહિંસક વિરોધ કરનારાઓ સહિત) જેલમાં ધકેલવા માટે કડક પગલાંનો ઉપયોગ કર્યો છે, ભારતીય સંઘવાદને નબળો પાડ્યો છે અને અગાઉની સ્વતંત્ર જાહેર સંસ્થાઓની (અને સૌથી વધુ તો ચૂંટણી પંચની) ઇમાનદારી સાથે બાંધછોડ કરી છે. સત્તામાં આવ્યા પછી તેઓએ કેટલાક પસંદગીના મૂડીવાદીઓની તરફેણ કરી છે (અને ખાસ કરીને તેમના ગૃહ રાજ્યના બે), વિદેશી રોકાણકારોને દૂર ભગાડ્યા છે, ઉત્પાદન ક્ષેત્રે રોજગાર પેદા કરવામાં નિષ્ફળ રહ્યા છે, વૈજ્ઞાનિક સંશોધનનું રાજકીયકરણ કર્યું છે અને આપણી જંગલો, પાણી, હવા અને જમીનને નુકસાન પહોંચાડ્યું છે- આ બધાં પગલાં સામુહિક રીતે દેશની ભવિષ્યની આર્થિક સંભાવનાઓને નબળી પાડે છે.

હું એક યુનિવર્સિટીમાં શિક્ષક રહ્યો છું, જ્યાં મારે મારા અભ્યાસક્રમો ભણતા વિદ્યાર્થીઓને A+, A, A- થી લઈને F સુધી ગ્રેડ આપવાના હતા. હું ક્રિકેટનો પણ શોખીન છું, જે હંમેશાં શ્રેષ્ઠ બોલરોની યાદી બનાવતો હોય છે, જેમને 1, 2, 3થી 10 સુધીના રેન્ક આપવામાં આવે છે. હું અહીં આ કોલમમાં દર્શાવેલ સાત જુગલબંદીઓને નંબરવાળા ગ્રેડ આપવા અથવા તેમને સકારાત્મક સિદ્ધિના ક્રમમાં ગોઠવવાનું ટાળીશ. તેમ છતાં અત્યાર સુધી જે નિર્ણય લઈ શકાય છે તે મુજબ, ઇતિહાસનો ચુકાદો એ હશે કે આ ભાગીદારીઓમાંની પહેલી નિઃશંકપણે સૌથી શ્રેષ્ઠ અને રચનાત્મક હતી અને ત્રીજી તેમજ સાતમી કદાચ સૌથી નુકસાનકારક અને વિનાશક હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top