ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દેશના ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્ર સરકારને રૂ. 3 લાખ કરોડ જેટલું રેકોર્ડ ડિવિડન્ડ આપી શકે છે. RBIની આવતીકાલે યોજાનારી બોર્ડ બેઠકમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ નિર્ણય લેવાશે તો તે ભારત સરકાર માટે અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ ટ્રાન્સફર બનશે. આર્થિક નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સરકાર પર વધતા આર્થિક દબાણ વચ્ચે RBIનું આ ડિવિડન્ડ સરકાર માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. ખાસ કરીને વધતા ખર્ચ અને વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે સરકારને વધારાના નાણાંકીય સહારાની જરૂરિયાત છે. ગત નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન RBIએ સરકારને અંદાજે રૂ. 2.70 ટ્રિલિયનનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. પરંતુ આ વખતે આ રકમ વધીને રૂ. 3 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે, જે એક નવો રેકોર્ડ ગણાશે.
નાણાકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, RBIને આ વર્ષે વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ) સંબંધિત કામકાજ, બોન્ડ્સ પરથી મળેલી વ્યાજ આવક અને સોનાના ઊંચા ભાવના કારણે મોટી કમાણી થઈ છે. આ વધારાની કમાણીમાંથી એક મોટો ભાગ હવે સરકારને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આ ડિવિડન્ડથી કેન્દ્ર સરકારને બજારમાંથી ઓછું કર્જ લેવું પડશે. સરકાર પર ઉછીના નાણાં મેળવવાનો ભાર ઓછો થશે, જેના કારણે નાણાકીય ખાધ (Fiscal Deficit) નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. RBI દ્વારા સરકારને આપવામાં આવતી રકમ ‘ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક’ હેઠળ નક્કી કરવામાં આવે છે. આ ફ્રેમવર્ક અનુસાર RBIએ પોતાની બેલેન્સ શીટમાં આકસ્મિક પરિસ્થિતિઓ માટે એક નિશ્ચિત બફર જાળવવો ફરજિયાત છે. આ બફર RBIની કુલ બેલેન્સ શીટના 4.5 ટકાથી 7.5 ટકા સુધી રાખવામાં આવે છે. આ જરૂરી બફર જાળવી રાખ્યા બાદ જે વધારાની રકમ બચે છે, તે સરકારને ડિવિડન્ડ તરીકે આપવામાં આવે છે. હાલ RBIની નાણાકીય સ્થિતિ મજબૂત હોવાથી આ વખતે ડિવિડન્ડમાં મોટો વધારો શક્ય બન્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે સરકાર આ વધારાના નાણાંનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, સબસિડી અને વધતા આયાત ખર્ચને સંભાળવા માટે કરી શકે છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં વધારાને કારણે સરકાર પર વધારાનું દબાણ આવ્યું છે. પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલ બજારમાં અનિશ્ચિતતા વધી છે. તેની અસર ભારતના આયાત બિલ પર પણ પડી રહી છે. આવી સ્થિતિમાં RBIનું રેકોર્ડ ડિવિડન્ડ સરકાર માટે એક મજબૂત આર્થિક ટેકો બની શકે છે. હવે તમામની નજર RBIની બોર્ડ બેઠક પર છે, જ્યાં આ ઐતિહાસિક નિર્ણય પર અંતિમ મંજૂરી મળી શકે છે.