Gujarat

CM-ડેપ્યુટી CMના કાફલામાં થશે મોટી કાપછાંટ,હવે ઓછા વાહનો સાથે જ થશે પ્રવાસ

ઈંધણ બચત અને ખર્ચ ઘટાડવા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય:

દેશમાં ઈંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણને લઈને હવે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. વડાપ્રધાન Narendra Modi દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી VIP સુરક્ષા કાફલામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રી કનું દેસાઈ એ પોતાના સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ પગલાંને સરકાર તરફથી “સાદગી, બચત અને કાર્યક્ષમતાની નવી શરૂઆત” તરીકે જોવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રો મુજબ, છેલ્લા કેટલાક સમયથી વધતા ઈંધણ ખર્ચ, ટ્રાફિકની સમસ્યાઓ અને સરકારી ખર્ચમાં વધારો ચિંતાનો વિષય બન્યો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઈંધણ બચત અને મિનિમલ મૂવમેન્ટ અંગે કરેલી અપીલ બાદ ગુજરાત સરકારે ઝડપી નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીના કાફલામાં હવે માત્ર મર્યાદિત વાહનો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી વધારાના વાહનો દૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગાઉ મુખ્યમંત્રીના કાફલામાં 6થી વધુ વાહનો સામેલ રહેતા હતા, પરંતુ હવે જરૂરી સુરક્ષા અને પ્રોટોકોલ જાળવીને વાહનોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ હવે મુખ્યમંત્રીના કાફલામાં માત્ર જરૂરી સુરક્ષા વાહનો અને અધિકારીક કાર જ રહેશે. સ્થાનિક પ્રવાસ દરમિયાન વધારાના વાહનોનો ઉપયોગ નહીં કરવામાં આવે. આ નિર્ણયથી ઈંધણ બચત ઉપરાંત સામાન્ય નાગરિકોને ટ્રાફિક સમસ્યામાં પણ રાહત મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના પ્રવાસ દરમિયાન પણ સાદગીપૂર્ણ મૂવમેન્ટથી પ્રેરણા મેળવી હતી. ત્યાં તેમણે મોટા કાફલા બદલે મર્યાદિત વાહનો સાથે મુસાફરી કરી હતી, જેના સકારાત્મક અનુભવ બાદ હવે ગુજરાતમાં પણ આ મોડલ અમલમાં મૂકાઈ રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ પણ લીધો મોટો નિર્ણય
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી એ પણ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. અગાઉ ડેપ્યુટી CMના કાફલામાં પણ અનેક સુરક્ષા વાહનો સામેલ રહેતા હતા, પરંતુ હવે તેમાં કાપ મુકવામાં આવી રહ્યો છે.
માહિતી મુજબ, મંત્રી કનુભાઈ દેસાઈએ સરકારી બેઠકો અને વિભાગીય સમીક્ષા મીટિંગ માટે નવી પદ્ધતિ અપનાવવાનો નિર્ણય લીધો છે. હવે ઘણી બેઠકો વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાશે જેથી અધિકારીઓને વારંવાર ગાંધીનગર આવવાની જરૂર ન રહે.આ નિર્ણયથી માત્ર ઈંધણ બચત જ નહીં પરંતુ અધિકારીઓનો સમય પણ બચશે. સાથે સાથે સરકારી મશીનરી વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પર્યાવરણ બચાવ સાથે ‘સાદગીપૂર્ણ શાસન’નો સંદેશ
ગુજરાત સરકારના આ પગલાને પર્યાવરણ સંરક્ષણ સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યું છે. ઓછા વાહનોનો ઉપયોગ થવાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પ્રદૂષણ પર પણ નિયંત્રણ આવશે.વિશેષજ્ઞોનું કહેવું છે કે VIP કાફલાઓમાં વાહનોની સંખ્યા ઘટાડવી એ માત્ર ખર્ચ બચતનો મુદ્દો નથી, પરંતુ તે લોકોમાં પણ જવાબદારીનો સંદેશ આપે છે. જો મોટા રાજકીય નેતાઓ સાદગી અપનાવે તો સામાન્ય નાગરિકોમાં પણ બચત અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે છે.

ટ્રાફિક સમસ્યામાં પણ મળશે રાહત
સામાન્ય રીતે VIP કાફલાના પસાર થવા દરમિયાન શહેરના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. અનેક વખત સામાન્ય લોકો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ જાય છે. હવે કાફલામાં વાહનોની સંખ્યા ઘટતા ટ્રાફિક મેનેજમેન્ટ સરળ બનશે અને લોકોને પણ ઓછી મુશ્કેલી પડશે.

સરકારના નિર્ણયને મળી રહી છે પ્રશંસા
ગુજરાત સરકારના આ નિર્ણયને સોશિયલ મીડિયા પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકોએ આ પગલાને “જમીન સાથે જોડાયેલું શાસન” ગણાવ્યું છે. લોકોનું કહેવું છે કે સરકાર જો બચત અને સાદગીનું ઉદાહરણ પૂરું પાડશે તો તેનો સકારાત્મક સંદેશ સમગ્ર રાજ્યમાં જશે.રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવનારા સમયમાં અન્ય રાજ્યો પણ ગુજરાત સરકારના આ મોડલને અપનાવી શકે છે. ખાસ કરીને વધતા ઈંધણ ખર્ચ અને પર્યાવરણના મુદ્દાઓ વચ્ચે આવી પહેલો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

હવે અન્ય વિભાગોમાં પણ થશે ફેરફાર?
સૂત્રો મુજબ, રાજ્ય સરકાર હવે અન્ય વિભાગોમાં પણ ખર્ચ ઘટાડવા અને ડિજિટલ કાર્યપદ્ધતિ વધારવા માટે નવા પગલાં લઈ શકે છે. સરકારી મીટિંગ, ફાઈલ પ્રોસેસિંગ અને પ્રવાસ સંબંધિત ખર્ચમાં ઘટાડા માટે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એટલુજ નહી ગુજરાત સરકારનો આ નિર્ણય હવે માત્ર એક પ્રશાસનિક ફેરફાર નહીં પરંતુ “સ્માર્ટ ગવર્નન્સ” તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top