Gujarat

અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ: પરિવારજનોની આંખો ફરી ભીની, 260થી વધુ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બનેલી દેશની સૌથી દુઃખદ વિમાન દુર્ઘટનાઓમાંની એકને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 સિવિલ હોસ્પિટલના કેમ્પસ નજીક ક્રેશ થતાં 260થી વધુ લોકોના કરુણ મોત થયા હતા. આ ગોઝારી ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે આજે ક્રેશ સાઇટ તેમજ બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા, જ્યાં મૃતકોના પરિવારજનો, અધિકારીઓ, ડોક્ટરો અને નાગરિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક વર્ષ બાદ પણ દુર્ઘટનાની યાદો તાજી છે. પ્લેન ક્રેશ સાઇટ પર આજે સવારે જ મોટી સંખ્યામાં પરિવારજનો પહોંચ્યા હતા. પોતાના સ્વજનોને ગુમાવનારા લોકો માટે આ દિવસ ફરી એકવાર પીડા અને સ્મૃતિઓથી ભરેલો રહ્યો. ઘણા પરિવારજનો આંખોમાં આંસુઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પોતાના પ્રિયજનોને યાદ કરીને ભાવુક બની ગયા.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણી પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે ઘટનાસ્થળે વૃક્ષારોપણ કરીને પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે પ્લેન ક્રેશની આ દુર્ઘટનાએ અનેક પરિવારોને અપૂર્ણ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે તેમના પિતા દ્વારા શરૂ કરાયેલા સેવાકીય કાર્યોને આગળ વધારવાનો પરિવારનો સંકલ્પ યથાવત છે અને ગુજરાતના વિકાસનું તેમનું સ્વપ્ન સાકાર કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.

વિમાન દુર્ઘટનામાં વિદેશી નાગરિકો સહિત અનેક દેશોના લોકોના પણ જીવ ગયા હતા. લંડનથી આવેલા એક પરિવારએ પોતાના પુત્ર ફ્યોંગલને યાદ કરીને ક્રેશ સાઇટ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મૃતકના માતા-પિતા ખાસ આ પ્રસંગે અમદાવાદ પહોંચ્યા હતા અને ઘટનાસ્થળે પ્રાર્થના કરી હતી. દિવસ દરમિયાન ઘટનાસ્થળે સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. બ્રિટિશ હાઇ કમિશનર લિન્ડી કેમેરોન દ્વારા પણ ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી. સાંજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમના ભાગરૂપે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે અને રણજિત વાંક સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ, પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની યાદમાં કોલેજ કેમ્પસમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. દુર્ઘટનાના દિવસે હોસ્ટેલ મેસમાં હાજર રહેલા આર્યન રાજપૂત, જયપ્રકાશ ચૌધરી, માનવ ભાદુ અને રાકેશ દીયારા સહિત ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. તેમની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને સમગ્ર કેમ્પસમાં ભાવુક વાતાવરણ સર્જાયું.

આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા, જુનિયર ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મૃત વિદ્યાર્થીઓ તેમજ અન્ય તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આ વૃક્ષોના જતનનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે વાવવામાં આવેલા વૃક્ષોની સંભાળ આજે પણ વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવી રહી છે.

દુર્ઘટનામાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મેડિસિટી કેમ્પસના કેટલાક કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમને પણ વિશેષ રીતે યાદ કરવામાં આવ્યા હતા. માનવસેવાના પ્રતિકરૂપે જુનિયર ડોક્ટર એસોસિયેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ડોક્ટરોએ રક્તદાન કરીને મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મૃતકોના 50થી વધુ પરિવારજનો અમદાવાદની હયાત હોટલમાં એકત્રિત થયા હતા. પોતાના સ્વજનોના ફોટોગ્રાફ્સ સાથે આવેલા પરિવારજનોએ પ્રાર્થના સભામાં ભાગ લીધો અને યાદો વાગોળી હતી. ત્યારબાદ તમામ પરિવારજનો ક્રેશ સાઇટ પર પહોંચ્યા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એક વર્ષ પછી પણ AI171 વિમાન દુર્ઘટનાની પીડા અનેક પરિવારોના જીવનમાં યથાવત છે. આજે યોજાયેલા કાર્યક્રમો માત્ર શ્રદ્ધાંજલિ પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ તે તમામ નિર્દોષ જીવને યાદ કરવાનો અને તેમની સ્મૃતિને જીવંત રાખવાનો એક ભાવનાત્મક પ્રયાસ પણ હતો.

Most Popular

To Top