Gujarat

વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત 8 દિગ્ગજોના સ્થાને કોને ટીકીટ અપાઈ?

ગાંધીનગર: ભાજપ (BJP)ની ઉમેદવારો (Candidate) પ્રથમ યાદી (List) જાહેર થાય એ પહેલા જ ભાજપનાં દિગ્ગજ નેતાઓએ ચુંટણી લડવા માટે નાં પાડી દીધી હતી. જો કે હવે સવાલ એ થાય છે કે આ બેઠકોની હાલત શું છે અને બેઠકો પર કોને ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં 160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

આ દિગ્ગજ નેતાઓએ ચુંટણી લડવા પાડી ‘ના’
રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે (Nitin Patel) ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વખતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા જ નીતિન પટેલે સીઆર પાટીલ (ભાજપ પ્રદેશ અધ્યક્ષ)ને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ચૂંટણી લડવા માંગતા નથી. આ બંને સિવાય કેટલાક અન્ય નામો પણ સામે આવ્યા છે જેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. રૂપાણી સરકારના કુલ 8 મંત્રીઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. વિજય રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ અને મહેસૂલ મંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી લડશે નહીં. આ સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. બોટાદના ધારાસભ્ય એવા ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ચૂંટણી લડશે નહીં. ભાવનગરના ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં મંત્રી વિભાવરી બેન દવે પણ ચૂંટણી નહીં લડે. રૂપાણી સરકારના મંત્રીઓ કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા અને યોગેશ પટેલ પણ ચૂંટણી નહીં લડે.

દિગ્ગજોનાં સ્થાને આ લોકોને ઉતારાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્થાને રાજકોટ પશ્ચિમમાંથી ડો.દર્શિતા શાહને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલની જગ્યાએ મુકેશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ધોળકા બેઠક પરથી કિરીટસિંહ ડાભી ઉમેદવાર હશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 2017માં અહીંથી જીત્યા હતા. ચુડાસમા પણ પત્ર લખનારા નેતાઓમાંના એક હતા. બોટાદ બેઠક પરથી પૂર્વ મંત્રી સૌરભ પટેલના સ્થાને ઘનશ્યામભાઈ વિરાણીને ટિકિટ મળી છે. દિવ્યેશ અકબરી જામનગર દક્ષિણના ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ આરસી ફાલ્દુનું સ્થાન લેશે. અમદાવાદના નારણપુરાથી જીતેન્દ્રભાઈ પટેલ ભાજપના ઉમેદવાર હશે. તેમને કૌશિક પટેલની જગ્યાએ ટિકિટ મળી છે. કંચનબેન રાદડિયાને અમદાવાદની જ ઠક્કરબાપા નગર બેઠક પરથી ટિકિટ મળી છે. અહીંના વર્તમાન ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.

નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી?
હજુ અમુક બેઠકો એવી છે જેના સ્થાન પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદ જિલ્લાની વટવા બેઠક પરથી ધારાસભ્ય અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઉમેદવારની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ભાવનગર પૂર્વમાંથી વિભાવરીબેન દવેના સ્થાને હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. દવેએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેવી જ રીતે વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

Most Popular

To Top