SURAT

સુરતના મિલેનિયમ માર્કેટમાં ફરી આગનો તાંડવ, વેપારીઓમાં હાહાકાર

સુરતના વ્યસ્ત રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી એકવાર આગની ઘટના સામે આવતા વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આજે 14 એપ્રિલના રોજ અચાનક એક દુકાનમાં આગ ભભૂકી ઊઠતા આસપાસની દુકાનોમાં પણ ચિંતા ફેલાઈ ગઈ અને લોકો દોડધામમાં લાગી ગયા. કાપડના મોટા જથ્થા વચ્ચે લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની ભીતિ ઉભી કરી દીધી હતી.આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી હતી
10 જેટલી ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસે પણ વ્યવસ્થા સંભાળી અને ભીડને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગતાં જ વેપારીઓએ પોતાના માલને બચાવવા તાત્કાલિક પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કેટલાક સ્થળે ભારે નુકસાનની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ જ માર્કેટમાં થોડા સમય પહેલા એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ પણ આગ લાગી હતી, જેમાં લાખો રૂપિયાનો માલ બળી ગયો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હાલ ફાયર વિભાગ ને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા સફળતા મળી છે. આ સાથે જ મોટી નુકશાની ની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top