ભારતની સર્વોચ્ચ અદાલતે લિફ્ટ સુરક્ષા અને મુસાફરોની સલામતી અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બુધવારે આપેલા આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ લિફ્ટમાં અકસ્માત સર્જાય છે, તો તેની જવાબદારીમાંથી કોઈ પણ પક્ષ છટકી શકશે નહીં. લિફ્ટ બનાવનાર ઉત્પાદક કંપની, તેનું સમારકામ અને જાળવણી કરતી એજન્સી તેમજ જે-તે બિલ્ડિંગના માલિક કે સંચાલક મંડળ, આ ત્રણેય સંયુક્ત રીતે મુસાફરોની સુરક્ષા માટે જવાબદાર રહેશે.
સુપ્રીમ કોર્ટે લિફ્ટને “કોમન કેરિયર” એટલે કે એક પ્રકારનું જાહેર પરિવહન ગણાવ્યું છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે લિફ્ટમાં મુસાફરી કરતા લોકોની જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આ ત્રણેય પક્ષોની પ્રાથમિક ફરજ છે.
21 વર્ષ જૂના કેસમાં 14 કરોડથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ
જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે ઓટિસ એલિવેટર કંપની (ઇન્ડિયા) લિમિટેડની અપીલને ફગાવી દીધી હતી. અદાલતે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમિશન (NCDRC) દ્વારા 2014માં આપવામાં આવેલા ચુકાદાને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો છે.
- મુખ્ય આદેશ: NCDRC એ મૃતકના પરિવાર (પત્ની અને બે બાળકો)ને 3.01 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે સુપ્રીમ કોર્ટે જાળવી રાખ્યો છે.
- વ્યાજ દર: અકસ્માતની તારીખ 20 માર્ચ 2003થી વાર્ષિક 9 ટકા વ્યાજ ઉમેરીને આ રકમ ચૂકવવાની રહેશે.
- શરત: જો આગામી 90 દિવસની અંદર આ રકમનું ચુકવણું કરવામાં નહીં આવે, તો 12 ટકાના વાર્ષિક વ્યાજદરે રકમ ચુકવવી પડશે. વ્યાજ ગણતરી સાથે આ વળતરની રકમ હાલ 14 કરોડ રૂપિયાથી પણ વધી જાય છે.
RAW મુખ્યાલયમાં શું ઘટી હતી કરુણ ઘટના?
આ સમગ્ર મામલો 20 માર્ચ 2003ના રોજ નવી દિલ્હી સ્થિત રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના હેડક્વાર્ટરનો છે. તે દિવસે 13 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા. અચાનક લિફ્ટ છઠ્ઠા અને સાતમા માળની વચ્ચે ટેકનિકલ ખામીના કારણે અટકી ગઈ હતી.
અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરી દરમિયાન પૂર્વ રાજદ્વારી વિપિન હાન્ડા જ્યારે લિફ્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમનું અડધું શરીર બહાર આવ્યું અને અચાનક લિફ્ટ નીચે તરફ સરકી ગઈ. આ અકસ્માતમાં તેમનું માથું લિફ્ટ અને ફ્લોર વચ્ચે કચડાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું દર્દનાક મોત નિપજ્યું હતું.
ઓટિસ કંપનીનો દાવો અને સુપ્રીમ કોર્ટનું કડક વલણ
કોર્ટમાં સુનાવણી દરમિયાન ઓટિસ કંપનીએ એવો બચાવ કર્યો હતો કે આ દુર્ઘટના બચાવ કામગીરી દરમિયાન થયેલી માનવીય ભૂલના કારણે થઈ હતી. કંપનીએ એવી પણ દલીલ કરી હતી કે બિલ્ડિંગમાં પાવર વોલ્ટેજની સમસ્યા હોવાથી તેમણે 50 KVAનું સ્ટેબિલાઇઝર લગાવવાની ભલામણ કરી હતી, જેનો અમલ કરવામાં આવ્યો નહોતો.
જોકે, સર્વોચ્ચ અદાલતે કંપનીના આ તર્કને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. કોર્ટે અવલોકન કર્યું કે:
- કોઈપણ અકસ્માતમાં માત્ર છેલ્લી ઘટના કે તાત્કાલિક કારણને જ ધોરણ બનાવી શકાય નહીં.
- રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે આ લિફ્ટમાં લાંબા સમયથી ટેકનિકલ ખામીઓ હતી, જેની જાણકારી ઓટિસ કંપનીને પહેલેથી જ હતી.
- જાણકારી હોવા છતાં કંપનીએ ન તો પૂરતા સુરક્ષા પગલાં લીધા કે ન તો ખામીયુક્ત લિફ્ટનો ઉપયોગ બંધ કરાવ્યો.
આ ચુકાદાથી હવે દેશભરની તમામ સોસાયટીઓ, કોમર્શિયલ બિલ્ડિંગો અને લિફ્ટ ઉત્પાદક કંપનીઓ માટે મેન્ટેનન્સ અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે.