કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખેલાડીઓ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળતાં દેશના કુલ ગોલ્ડની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. પેરા એથ્લેટ દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની 100 મીટર દોડમાં 10.71 સેકન્ડનો સમય નોંધાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં ભારતના મોહમ્મદ બાસિલે 10.83 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય ખેલાડીઓની આ વન-ટૂ ફિનિશે દેશ માટે ગૌરવની ક્ષણ સર્જી હતી.
આ પહેલા લોંગ જમ્પમાં ભારતના સ્ટાર એથ્લેટ મુરલી શ્રીશંકરે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે પોતાના બીજા પ્રયાસમાં 8.09 મીટરની છલાંગ લગાવી હતી. જોકે જમૈકાના તજય ગેલે 8.15 મીટરની છલાંગ સાથે ગોલ્ડ જીત્યો હતો. મુરલી શ્રીશંકર સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીતનારા પ્રથમ ભારતીય લોંગ જમ્પર બન્યા છે, જે ભારતીય એથ્લેટિક્સ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
ગાવિતના ગોલ્ડ અને બાસિલના સિલ્વર બાદ ભારતના કુલ મેડલની સંખ્યા 15 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ભારતે 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ પ્રદર્શનના આધારે ભારત મેડલ ટેલીમાં આઠમા સ્થાને પહોંચી ગયું છે.
બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો છે. મહિલા 57 કિલોગ્રામ વર્ગમાં જાસ્મિન લેમ્બોરિયાએ ઇંગ્લેન્ડની ઇલિસ ગ્લિનને 4-1થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે સેમિફાઇનલમાં પહોંચનાર ભારતની 10મી બોક્સર બની છે. મહિલા 70 કિલોગ્રામ વર્ગમાં અરુંધતીએ ન્યૂઝીલેન્ડની મોર્ગન એડરસનને 3-1થી હરાવી અંતિમ ચાર ખેલાડીઓમાં સ્થાન બનાવ્યું છે. સાક્ષી ચૌધરીએ મહિલા 51 કિલોગ્રામ વર્ગમાં નોર્ધન આયર્લેન્ડની કેથલીન ફ્રેયરને 5-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
પુરુષ બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે. 90 કિલોગ્રામ વર્ગમાં નરેન્દ્ર બેરવાલે સમોઆના માઇકલ સેકોને 3-2થી હરાવ્યો હતો. 80 કિલોગ્રામમાં અંકુશ પંઘલે સેશેલ્સના જે મિકોક સામે 5-0થી જીત મેળવી હતી. જ્યારે 70 કિલોગ્રામમાં સચિને બોત્સ્વાનાના ટ્રેઝર મોરેમીને 5-0થી પરાજય આપ્યો હતો.
આ પહેલા લવલીના બોરગોહેન (75 કિગ્રા), પ્રીતિ પવાર (54 કિગ્રા), પ્રિયા ઘંગસ (60 કિગ્રા) અને જાદુમણિ સિંહ (55 કિગ્રા) પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. બોક્સિંગમાં સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ મેડલ નિશ્ચિત થઈ જાય છે, કારણ કે બ્રોન્ઝ મેડલ માટે અલગ મુકાબલો યોજાતો નથી. સેમિફાઇનલમાં હારનાર બંને ખેલાડીઓને સંયુક્ત રીતે બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે.
એથ્લેટિક્સમાં શોટ પુટ સ્પર્ધામાં પણ ભારતને સારા સમાચાર મળ્યા છે. તજિન્દરપાલ સિંહ તૂર અને સમરદીપ સિંહ ગિલ બંનેએ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. તૂરે પોતાના બીજા પ્રયાસમાં 20.14 મીટરનો થ્રો કરીને સીધું ફાઇનલનું ટિકિટ મેળવ્યું હતું. સમરદીપ ગિલે પ્રથમ પ્રયાસમાં 19.95 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો અને કુલ પાંચમા સ્થાને રહી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બંને ખેલાડીઓ હવે ગુરુવારે મેડલ માટે પડકાર રજૂ કરશે.
વેઈટલિફ્ટિંગમાં જોકે ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. 19 વર્ષની સંજના મહિલા 77 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં સ્નેચ ઇવેન્ટ દરમિયાન 94 કિલોગ્રામ વજન ઉઠાવવાના ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ રહી હતી. પરિણામે તે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ વર્ષે એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતનાર સંજનાથી મોટી અપેક્ષા હતી, પરંતુ તે પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નહોતી. તે આ ગેમ્સમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહેનારી ભારતની બીજી વેઈટલિફ્ટર બની છે. આ પહેલા નિરુપમા દેવી સેરામ પણ પોતાના વર્ગમાં ક્લીન એન્ડ જર્કના ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ રહી હતી. ભારતીય ખેલાડીઓના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા આગામી દિવસોમાં પણ વધુ મેડલની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને બોક્સિંગ અને એથ્લેટિક્સમાં ભારત પાસે ગોલ્ડ સહિત અનેક મેડલ જીતવાની તક યથાવત છે.