કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્વયંસેવકોની ઉજવણી અને ડાન્સના વાયરલ વીડિયો બાદ શરૂ થયેલા વિવાદ પર પાર્ટીએ વિગતવાર સ્પષ્ટતા આપી છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે સોશિયલ મીડિયા પર જે તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તેના આધારે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ કોઈ 5-સ્ટાર હોટેલમાં યોજાયેલી લક્ઝરી પાર્ટી નહોતી, પરંતુ સામાન્ય બે-ત્રણ સ્ટાર હોટેલના બેઝમેન્ટ હોલમાં યોજાયેલ એક આભાર સમારોહ હતો. સૌરવ દાસે જણાવ્યું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ છેલ્લા 37 દિવસથી આંદોલનમાં જોડાયેલા અને દેશના વિવિધ રાજ્યોમાંથી દિલ્હી આવેલા 150થી 200 જેટલા સ્વયંસેવકોનું સન્માન કરવાનો હતો. તેમણે કહ્યું કે આ સ્વયંસેવકોએ લાંબા સમય સુધી રસ્તા પર રહીને આંદોલન ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેથી તેમની મહેનતને બિરદાવવા અને આભાર વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર માત્ર ડાન્સ અને ઉજવણીના વીડિયો જ વાયરલ થયા છે, જ્યારે કાર્યક્રમ પહેલાં તમામ સ્વયંસેવકો સાથે ચર્ચા, અનુભવ વહેંચણી અને ફીડબેક સેશન પણ યોજાયું હતું. પાર્ટીના જણાવ્યા મુજબ, સમગ્ર કાર્યક્રમનો હેતુ સંઘર્ષમાં જોડાયેલા કાર્યકરોનું મનોબળ વધારવાનો હતો. ઉજવણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે CJPએ સરકાર સામે પોતાનું વલણ પણ વધુ કડક બનાવ્યું છે. પાર્ટીએ પ્રદર્શન દરમિયાન નોંધાયેલા તમામ FIR પાછા ખેંચવા માટે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સૌરવ દાસે જણાવ્યું કે ત્રીજા તબક્કાની ચર્ચા દરમિયાન સરકાર દ્વારા મંગળવાર સુધીમાં તમામ કેસો પાછા ખેંચવાની લેખિત ખાતરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો આ સમયમર્યાદામાં લેખિત પુષ્ટિ નહીં મળે તો દિલ્હીમાં ફરીથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવશે.
CJPએ એ પણ સ્પષ્ટ કર્યું કે માત્ર “શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ” સામે કાર્યવાહી નહીં થાય જેવી શરત સ્વીકાર્ય નથી. પાર્ટીનું કહેવું છે કે પ્રદર્શન સાથે જોડાયેલા તમામ કેસો કોઈ ભેદભાવ વગર પાછા ખેંચવામાં આવવા જોઈએ. પ્રવક્તાએ બિહારના સીવાનમાં પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત AK-47 ફાયરિંગ મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે માત્ર સંબંધિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી વાત પૂર્ણ થતી નથી. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. સાથે જ તેમણે સંબંધિત સુરક્ષા દળો દ્વારા જાહેરમાં માફી માંગવાની પણ માંગ કરી હતી.
સંસદમાં ચાલી રહેલી શિક્ષણ સંબંધિત ચર્ચાનો ઉલ્લેખ કરતાં સૌરવ દાસે જણાવ્યું કે પેપર લીક, શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે ગંભીર ચર્ચા થવી જોઈએ. તેમના મતે, આ મુદ્દાઓ પર સ્પષ્ટ ચર્ચા અને નિર્ણય લેવાથી દેશના યુવાનોમાં સકારાત્મક સંદેશ જશે. પાર્ટીએ કાર્યક્રમની વ્યવસ્થા અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા અનુસાર હોટેલમાં એક દિવસ અગાઉ 150થી 200 લોકો માટે બુકિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માટે સામાન્ય ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંપૂર્ણ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું. મેનૂમાં રોટલી, દાળ, ભાત અને પનીરની વાનગીઓ સામેલ હતી. પાર્ટીએ દાવો કર્યો કે કાર્યક્રમમાં કોઈપણ પ્રકારના દારૂની વ્યવસ્થા કરવામાં આવી નહોતી અને માત્ર મર્યાદિત સંગીત તથા ડીજે રાખવામાં આવ્યા હતા.
બીજી તરફ, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કાર્યક્રમ દિલ્હીના પટેલ નગર સ્થિત એક 5-સ્ટાર હોટેલમાં યોજાયો હતો. જોકે, CJPએ આ દાવાને નકારી કાઢતાં કહ્યું કે કાર્યક્રમ સામાન્ય હોટેલના હોલમાં યોજાયો હતો અને તેને વૈભવી પાર્ટી તરીકે રજૂ કરવું યોગ્ય નથી. આ સમગ્ર વિવાદ વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનું નિવેદન પણ ચર્ચામાં રહ્યું છે. તેમણે જણાવ્યું કે કોઈપણ સફળતાની ઉજવણી કરવી ખોટી નથી, પરંતુ તે સંયમ, જવાબદારી અને ગૌરવ સાથે થવી જોઈએ. તેમના મતે, જીત પછી પણ નમ્રતા જાળવવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી સફળતા મેળવવી.