ડિપ ડિપ્રેશન વધુ મજબૂત બનતાં અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગનું અલર્ટ
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા શહેરવાસીઓને મોટી રાહત મળી હતી. ઉઘાડ નીકળતાં જનજીવન ફરી પાટા પર આવ્યું હતું અને તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો. જોકે આ રાહત હવે વધુ દિવસ ટકવાની નથી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર અસર કરતી ડિપ ડિપ્રેશન સિસ્ટમ સતત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. તેના પ્રભાવથી ગુરુવારથી અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.
અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
IMDના જણાવ્યા મુજબ ગુરુવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ ફરી જામશે, જ્યારે શુક્રવાર અને શનિવારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
સિસ્ટમ બનશે વધુ મજબૂત, યલો અલર્ટ જાહેર
હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવાર સુધીમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનશે. છોટાઉદેપુર અને નર્મદાના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ
મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધારે હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દાહોદમાં 0.71 ઇંચ, ધોળકામાં 0.59 ઇંચ, કપરાડામાં 0.51 ઇંચ, નાનાપોંઢામાં 0.28 ઇંચ, સુબીરમાં 0.24 ઇંચ અને કડીમાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.
ગત સપ્તાહે અમદાવાદમાં પડેલા ભારે વરસાદે શહેરને જળબંબાકાર બનાવી દીધું હતું. બોપલ વિસ્તારમાં કરોડોના બંગલાઓમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા અને બે દિવસ સુધી પાણી ઓસર્યા નહોતા. બોપલ-શીલજ રોડ પર અંદાજે 10 ફૂટ જેટલા પાણી ભરાતા મુખ્ય વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. વિકલ્પ માર્ગ ન હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા મુખ્યમંત્રી પણ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. હવે ફરી ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્રે સતર્કતા વધારી છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.