National

આજે લોકસભામાં રાહુલ ગાંધીનું ભાષણ, એન્ટી પેપર લીક બિલ પર નિર્ણાયક દિવસ

સંસદમાં એન્ટી પેપર લીક બિલને લઈને લોકસભા અને રાજ્યસભા વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે. લોકસભામાં બિલ પર સરકાર અને વિપક્ષ વચ્ચે મંગળવારે જોરદાર ચર્ચા અને તીખી નોકઝોક જોવા મળી હતી. હવે આજે ચર્ચા આગળ વધશે અને બપોરે અંદાજે 12:30 વાગ્યે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બિલ પર પોતાનો પક્ષ રજૂ કરશે. તેમની રજૂઆત બાદ બિલ પર ચર્ચા પૂર્ણ થતાં મતદાન પણ થઈ શકે છે.

કેન્દ્ર સરકારની યોજના બિલને લોકસભામાંથી ઝડપથી પસાર કરીને રાજ્યસભામાં મોકલવાની છે, જેથી તેને કાયદાનું સ્વરૂપ આપી વહેલી તકે અમલમાં મૂકી શકાય. સરકારનું માનવું છે કે આ કાયદાથી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા વધશે અને પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહી શક્ય બનશે.

બીજી તરફ, વિપક્ષનું કહેવું છે કે માત્ર નવો કાયદો લાવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. વિપક્ષ સતત દેશભરના યુવાનો, રોજગાર અને પરીક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ ઉઠાવતો રહ્યો છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી આજે પોતાના સંબોધનમાં પેપર લીક, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સરકારની જવાબદારીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.

મંગળવારે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે અગાઉ પણ આવા કાયદા બન્યા હતા, છતાં પેપર લીકની ઘટનાઓ અટકી નથી. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળેલા સમર્થન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વીડિયોનો ઉલ્લેખ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું.

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પૂર્વ શિક્ષણ મંત્રીના રાજીનામાને વિદ્યાર્થીઓ અને યુવાનોની જીત ગણાવી હતી. જ્યારે AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પેપર લીકની ઘટનાઓના કારણે સરકારનો યુવાનો સાથેનો વિશ્વાસનો સંબંધ નબળો પડ્યો છે.

સરકાર તરફથી ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વળતો પ્રહાર કરતાં કહ્યું કે પેપર લીક આતંકવાદ જેટલી ગંભીર સમસ્યા છે અને સરકાર તેનો કાયમી ઉપાય લાવવા માટે કાયદામાં સુધારા કરી રહી છે. તેમણે કહ્યું કે નવા કાયદાથી શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરનારા પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે.

કેન્દ્ર સરકારે 27 જુલાઈએ લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બિલ રજૂ કર્યા બાદ વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબ માંગતાં શરૂઆતમાં ગતિરોધ સર્જાયો હતો. જોકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તક્ષેપ બાદ સરકાર અને વિપક્ષ ચર્ચા માટે સંમત થયા હતા.

મંગળવારે મોડીરાત સુધી ચાલેલી ચર્ચામાં ભાજપ તરફથી બાંસુરી સ્વરાજ, અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજૂ સહિત અનેક સાંસદોએ ભાગ લીધો હતો. જ્યારે વિપક્ષ તરફથી ગૌરવ ગોગોઈ, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને મહુઆ મોઇત્રા સહિતના નેતાઓએ સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરી હતી. હવે સૌની નજર રાહુલ ગાંધીના ભાષણ અને ત્યારબાદ થનારા મતદાન પર ટકેલી છે.

Most Popular

To Top