National

NEET માર્કસમાં ગોલમાલ: 24 કલાકમાં વિદ્યાર્થીનો સ્કોર 3 વાર બદલાયો, મામલો દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો!

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ ફરી એકવાર મોટા વિવાદમાં ઘેરાઈ છે. NEET ની પરીક્ષા આપનારા એક વિદ્યાર્થીએ એવો દાવો કર્યો છે કે એનટીએના પોર્ટલ પર માત્ર 24 કલાકના ગાળામાં તેના માર્કસ 3 વખત બદલી નાખવામાં આવ્યા હતા. પોતાના ભવિષ્ય અને અધિકારોની રક્ષા કરવા માટે આ વિદ્યાર્થીએ હવે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. વિદ્યાર્થીએ પોતાની અરજીમાં માંગ કરી છે કે તેને તેની અસલ ઓએમઆર સીટ બતાવવામાં આવે અને તેને સુરક્ષિત રાખવામાં આવે.

સ્કોર કાર્ડમાં અચાનક થયેલા ઘટાડાથી ચિંતા વધી

પીડિત વિદ્યાર્થીનો આરોપ છે કે પરીક્ષાના પરિણામ બાદ તેનો સંભવિત સ્કોર 620 માર્કસ હતો. પરંતુ પરીક્ષાના બીજા દિવસે જ્યારે તેણે એનટીએના પોર્ટલ પર લોગિન કર્યું ત્યારે તેના માર્કસ 650 બતાવતા હતા.

  • એક જ દિવસમાં સ્કોર ઘટ્યો: થોડીવાર પછી જ્યારે તેણે ફરીથી લોગિન કર્યું તો તેના માર્કસ ઘટીને 500 થઈ ગયા હતા.
  • છેલ્લે માત્ર 135 માર્કસ બતાવ્યા: આ જ દિવસે જ્યારે વિદ્યાર્થીએ ત્રીજી વખત પોતાનો સ્કોર ચેક કર્યો તો તે ઘટીને માત્ર 135 માર્કસ જ રહી ગયો હતો.
  • એનટીએનો મૌન ધારણ: આટલા મોટા ફેરફાર અંગે એનટીએ તરફથી કોઈ જ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

દિલ્હી હાઈકોર્ટમાં અરજી અને એનટીએ ઓફિસે ધક્કા

વિદ્યાર્થીના વકીલ વિનીત જિંદલે કોર્ટ પાસે માંગ કરી છે કે એનટીએને અસલ ઓએમઆર શીટ અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો રજૂ કરવાનો આદેશ આપવામાં આવે. તેમણે પેપર ચેકિંગ પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરવાની પણ માંગ કરી છે. આ મામલે શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે.

વિદ્યાર્થીએ અગાઉ એનટીએને અનેક ઇમેઇલ કર્યા હતા અને આરટીઆઈ દ્વારા પણ પોતાની ઓએમઆર શીટ માંગી હતી. 20 જુલાઈના રોજ તે પોતે એનટીએની ઓફિસે પહોંચ્યો હતો, જ્યાં અધિકારીઓએ તેને એક ઓએમઆર શીટ બતાવી હતી. જોકે, વિદ્યાર્થીનો દાવો છે કે તેને બતાવવામાં આવેલી શીટ તેની પોતાની નહોતી. સામે પક્ષે એનટીએના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ જ તેની એકમાત્ર આન્સર શીટ છે અને તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. આ ઘટનાએ નીટ પરીક્ષાની પારદર્શિતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Most Popular

To Top