ટિકિટ કપાતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટરનો પક્ષના જ ઉમેદવારો પર કબજો? હાઈકમાન્ડમાં દોડધામ

વડોદરા: રાજકોટ, સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરા કોંગ્રેસમાં પણ તોડજોડની રાજનીતિ અને આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારો પક્ષની પેનલના અન્ય સાથીઓને છોડીને પક્ષ સામે બળવો કરનાર અપક્ષ ઉમેદવાર સાથે પ્રચાર કરતા જોવા મળતા રાજકીય આલમમાં હળકંપ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, વોર્ડ નંબર 1 માં ગત ટર્મમાં કોંગ્રેસની આખી પેનલ વિજયી બની હતી, પરંતુ આ વખતે નવા સીમાંકન અને રોસ્ટરના કારણે સમીકરણો બદલાયા છે. પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા તેમણે પક્ષ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર પુષ્પાબેન વાઘેલા અને જહા દેસાઈ ના પત્ની કોંગ્રેસની પેનલના અન્ય સભ્યો અમીબેન રાવત અને ડો. નિકુલ પટેલને પડતા મૂકીને હરીશ પટેલ સાથે એક જ ગાડીમાં પ્રચાર કરતા નજરે પડ્યા હતા.
આ ઘટનાને પગલે કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષને ડર સતાવી રહ્યો છે કે ભાજપના દબાણ અથવા આંતરિક ખેંચતાણને કારણે તેમના ઉમેદવારો તૂટી શકે છે. વોર્ડ નંબર 1 જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, ત્યાં જ પેનલ વિખેરાઈ જતાં આગામી ચૂંટણીના પરિણામો પર તેની ગંભીર અસરો પડવાની શક્યતા છે. અમીબેન રાવત જેવા દિગ્ગજ નેતા અત્યારે પોતાની જ પેનલમાં એકલા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહે છે કે મતદારો આ તૂટેલી પેનલ પર વિશ્વાસ મૂકે છે કે પછી આંતરિક કલહનો ફાયદો અન્ય પક્ષને મળે છે.
વડોદરાનો ‘વોર્ડ નં. 1’ ચર્ચામાં: ગઢમાં જ ગાબડું!
જે વોર્ડમાં કોંગ્રેસે ભાજપને ધૂળ ચટાડીને ચારેય બેઠકો કબજે કરી હતી, તે જ ગઢમાં હવે ‘ઘરના જ દીવા’ થી ઘર સળગવાની સ્થિતિ પેદા થઈ છે. હરીશ પટેલના પ્રભાવશાળી પાટીદાર મતો મેળવવાની લ્હાયમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોએ પક્ષની શિસ્તને નેવે મૂકી અપક્ષનો સાથ પકડ્યો છે. ‘સાથે લડીશું, સાથે જીતીશું’ ના નારા લગાવતી પેનલ પ્રચારના અધવચ્ચે જ વિખેરાઈ જતાં વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શું આ પેનલનું ભંગાણ ભાજપ માટે વિજયનો માર્ગ મોકળો કરશે? તે તો પરિણામ જ કહેશે.