નાનકડા રાજકુમાર અર્જુનના હૃદયમાં પડોશના રાજા પ્રત્યે વેરની આગ સળગતી હતી. પડોશના રાજ્યના રાજાએ દગો આપીને તેના પિતાની હત્યા કરી હતી. ત્યારથી તેના હૃદયમાં બદલાની ભાવના આકાર લઈ રહી હતી. તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘હું મોટો થઈને ચોક્કસ બદલો લઈશ.’ નાનકડો અર્જુન મોટો થવા લાગ્યો. દિવસ-રાત તેના મનમાં એક જ વિચાર રમતો રહેતો કે વેરની વસૂલાત કેવી રીતે કરવી. વર્ષો સુધી એ જ વેરના વિચાર સાથે તે મોટો થયો. પડોશના રાજા અને સમગ્ર રાજકુટુંબને મારી નાખવાના મનસૂબા સાથે તેણે પોતાને તૈયાર કર્યો. પોતે જાતે વેરની વસૂલાત કરી શકે તે માટે તેણે સઘન તાલીમ લીધી અને શક્તિશાળી યોદ્ધા બન્યો. પાડોશના રાજ્ય વિશે તેણે બધી તપાસ કરાવી. કિલ્લો, સૈન્ય અને તેમની તાકાત વિશે જાસૂસો મારફતે તમામ માહિતી મેળવી લીધી. એક રાત્રે અચાનક હુમલો કરીને તેણે પડોશના રાજાને હરાવ્યો અને બંદી બનાવ્યો. પછી તેણે રાજાને દગાથી કરેલી પોતાના પિતાની હત્યાની યાદ અપાવી અને તેનો શિરચ્છેદ કર્યો. ત્યારબાદ સમગ્ર રાજકુટુંબની હત્યા કરીને પોતાના પિતાની હત્યાનો બદલો પૂરો કર્યો.
દુશ્મન રાજાને હરાવીને તેની હત્યા કરી, વેરની વસૂલાત કરી અને યુદ્ધ પણ જીતી લીધું; પરંતુ તેની અંદર વર્ષોથી સળગતી વેરની આગ હજુ શાંત થઈ નહોતી. તેને ક્યાંય પણ શાંતિનો અનુભવ થતો નહોતો. વેરની વસૂલાત પછી જે શાંતિ અને આનંદ તેને મળવા જોઈએ હતા, તે તેને મળ્યા નહીં. તેની અંદર ક્યાંક ગુસ્સો હજુ જીવંત હતો. જે વેરની આગ સાથે તે મોટો થયો હતો, તે આગ વેરની વસૂલાત થયા પછી પણ તેને અંદરથી બાળી રહી હતી.
અર્જુન પોતાના કુલગુરુ પાસે ગયો. તેણે સમગ્ર વાત કહી અને પૂછ્યું, ‘ગુરુજી, આપ તો જાણો છો કે હું બાળપણથી જ મારા પિતાના હત્યારાનો બદલો લેવા માંગતો હતો. મેં તે રાજાની હત્યા કરીને બદલો પણ લઈ લીધો, છતાં મને શાંતિ મળતી નથી. હવે હું શું કરું?’ કુલગુરુએ કહ્યું, ‘અર્જુન, અત્યાર સુધી તું મનમાં વેરની આગ સળગાવતો રહ્યો. આજે તું દુશ્મનને હરાવ્યો છે, પરંતુ શું તું પોતાની અંદર સળગતી વેરની આગને હરાવી શક્યો? શું તું એ આગ બુઝાવવામાં સફળ રહ્યો?’ રાજકુમાર અર્જુન બોલ્યો, ‘ગુરુજી, વેરની વસૂલાત થઈ જાય પછી તો એ આગ આપોઆપ બુઝાઈ જવી જોઈએ, પરંતુ તેમ થયું નથી. હવે હું શું કરું?’
કુલગુરુ બોલ્યા, ‘અર્જુન, તું યુદ્ધ લડીને જીતી ગયો, રાજાની હત્યા કરીને વેર પણ વાળી લીધો; પરંતુ હજુ તું મનથી પિતાના હત્યારાને માફ કરી શક્યો નથી. જ્યારે તું વેરને ભૂલીશ, નફરતને છોડીને ક્ષમાનો માર્ગ અપનાવીશ, ત્યારે જ તને સાચી શાંતિ મળશે. સજા આપ્યા પછી પણ તું તેને મનથી ક્ષમા આપી શક્યો નથી. મનથી ક્ષમા આપ, તો જ વેરની આગ બુઝાશે.’ રાજકુમારને સમજાયું કે બદલો બહારનું યુદ્ધ જીતે છે, જ્યારે ક્ષમા અંદરનું યુદ્ધ જીતે છે. જે વ્યક્તિ સતત મનમાં વેર રાખે છે, તે પોતે જ આગ લઈને ફરે છે. આ આગ બુઝાવવાનો એક જ રસ્તો છે—વેરને ભૂલી જાઓ અને ક્ષમા આપો.