ભામૈયા ગામથી ડોડકા સુધી આઠ લેનનો માર્ગ શરૂ, ગોધરા–કાલોલ–વડોદરા જોડાણ મજબૂત
પ્રતિનિધિ) વડોદરા, તા. ૧૪
ગુજરાતમાં માર્ગ સુવિધાઓને વધુ આધુનિક અને ઝડપી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલુંરૂપે દિલ્હી–વડોદરા એક્સપ્રેસવેનો ગોધરા–વડોદરા સ્ટ્રેચ ૧૩ એપ્રિલથી ટ્રાયલ આધાર પર વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ટ્રાયલ સફળ થયા બાદ ટૂંક સમયમાં આ સ્ટ્રેચનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે. આ રસ્તો ખુલ્લો થવાથી હવે નવસારીના ખારેલથી ગોધરા સુધી સળંગ મુસાફરી શકય બનશે.
ભારતમાળા પરિયોજનાના અંતર્ગત નિર્માણ પામેલો આ સ્ટ્રેચ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકના ભામૈયા ગામથી લઈને વડોદરા નજીકના ડોડકા ગામ સુધી વિસ્તરેલો છે. આ આઠ લેનનો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે ઝડપી અને સલામત મુસાફરી માટે અનુકૂળ બનાવવામાં આવ્યો છે. આ માર્ગ શરૂ થતાં ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેનું જોડાણ વધુ સુગમ બનશે અને હાલના માર્ગો પરનું ટ્રાફિક દબાણ ઘટશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સુધારેલી માર્ગ સુવિધાથી વેપાર, પરિવહન અને સ્થાનિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એક્સપ્રેસવે પર ધીમી ગતિના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે હવે નવસારી જિલ્લાના ખારેલથી લઈને ગોધરા સુધી સતત એક્સપ્રેસવે માર્ગ દ્વારા મુસાફરી શક્ય બની છે, જે રાજ્યના આધુનિક માર્ગ નેટવર્ક વિકાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.