Bodeli

બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત

નવ નિર્મિત નગરપાલિકામાં ભાજપની સત્તા તરફ મજબૂત સંકેતો, હવે મતદારોના નિર્ણય પર નજર

| પ્રતિનિધિ, બોડેલી
છોટાઉદેપુર જિલ્લાની નવ નિર્મિત બોડેલી નગરપાલિકામાં સત્તા હાંસલ કરવા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પૂર્વે જ મજબૂત સ્થિતિ બનાવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે કુલ ૬ ઉમેદવારોને બિનહરીફ વિજેતા બનાવવામાં સફળતા મેળવી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભાજપની પકડ મજબૂત બનતી દેખાઈ રહી છે.
માહિતી મુજબ, બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે શરૂઆતમાં ૮૩ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. અંતિમ દિવસે એટલે કે તા. ૧૫-૦૪-૨૦૨૬ના રોજ તપાસ બાદ ૬૯ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જેમાંથી અગાઉના દિવસે ભાજપના ૪ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે અંતિમ દિવસે વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા ભાજપના કુલ ૬ ઉમેદવારો વિજયી બન્યા છે.
બોડેલી નગરપાલિકામાં ભાજપ તરફથી બિનહરીફ વિજેતા બનેલા ઉમેદવારોમાં ગંગાબેન રાઠવા, મૈત્રી શાહ, રાધિકા મોરે, સલમાબાનુ મન્સૂરી, કાર્તિક શાહ અને ઉમેશ રાઠવાનો સમાવેશ થાય છે. આ પરિણામથી ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
હાલની પરિસ્થિતિ જોતા બોડેલી નગરપાલિકામાં ભાજપ વધુ બેઠકો જીતવા માટે મજબૂત સ્થિતિમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે અંતિમ પરિણામ મતદારોના મિજાજ પર નિર્ભર રહેશે અને આવનારો સમય જ સ્પષ્ટ ચિત્ર રજૂ કરશે.

રિપોર્ટર: સૈયદ ઝહીર

Most Popular

To Top