
સાયબર સુરક્ષાના વધતા જોખમો વચ્ચે હવે દુનિયાભરના મોટા નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ વધુ સાવચેત બની રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે અમેરિકન અધિકારીઓએ બેઇજિંગ પ્રવાસ દરમિયાન પોતાના પર્સનલ મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ ટાળ્યો હતો. તેમના બદલે તેમને ટેમ્પરરી ડિવાઇસ આપવામાં આવ્યા હતા જેથી સાયબર જાસૂસી અને ડેટા ચોરીના ખતરાથી બચી શકાય. આ સમગ્ર મામલાએ જ્યૂસ જૅકિંગ નામના સાયબર ખતરાને ફરી ચર્ચામાં લાવી દીધો છે. જ્યૂસ જૅકિંગ એક એવો સાયબર હુમલો છે જેમાં જાહેર USB ચાર્જિંગ પોર્ટ અથવા USB કેબલ મારફતે મોબાઇલ, ટેબ્લેટ અથવા લેપટોપમાંથી ડેટા ચોરી શકાય છે અથવા તેમાં Malware ઇન્સ્ટોલ કરી શકાય છે. સામાન્ય રીતે લોકો માને છે કે USB કેબલનો ઉપયોગ ફક્ત ચાર્જિંગ માટે થાય છે, પરંતુ USB દ્વારા ડેટા ટ્રાન્સફર પણ થતું હોય છે. હેકર્સ આ જ સુવિધાનો ફાયદો ઉઠાવે છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હેકર્સ જાહેર જગ્યાએ લગાવવામાં આવેલા USB ચાર્જિંગ પોર્ટ અથવા કેબલમાં પહેલેથી જ Malware અથવા હેકિંગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દે છે. ત્યારબાદ જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ફોન ચાર્જ કરવા માટે તેને જોડે છે ત્યારે હેકર્સને ડિવાઇસમાં રહેલા ડેટા સુધી પહોંચ મળી શકે છે. કેટલાક કિસ્સામાં ફોન પર Trust This Computer? જેવો મેસેજ પણ આવે છે. જો યુઝર અજાણતા Trust પર ક્લિક કરે તો હેકર્સને વધુ ઍક્સેસ મળી શકે છે. જ્યૂસ જૅકિંગ દ્વારા હેકર્સ ફોનમાં રહેલી અનેક મહત્વપૂર્ણ માહિતી ચોરી શકે છે. તેમાં ફોટા, વીડિયો, કોન્ટેક્ટ્સ, ઇમેઇલ્સ, પાસવર્ડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, બેન્કિંગ માહિતી અને વ્યક્તિગત મેસેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Malware ઇન્સ્ટોલ થયા બાદ હેકર્સ ફોનની જાસૂસી પણ કરી શકે છે. તેઓ યુઝરનું લોકેશન ટ્રેક કરી શકે છે, કી-સ્ટ્રોક રેકોર્ડ કરી શકે છે, કેમેરા અથવા માઇક એક્સેસ કરી શકે છે અને ડિવાઇસને રિમોટથી કંટ્રોલ પણ કરી શકે છે.
સાયબર હુમલાનો આ ખતરો ખાસ કરીને જાહેર USB ચાર્જિંગ પોર્ટવાળી જગ્યાઓ પર વધારે જોવા મળે છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોલ, હોટેલ, કેફે, લાઇબ્રેરી અને કોન્ફરન્સ સેન્ટર જેવી જગ્યાઓ પર લોકો ઝડપથી ફોન ચાર્જ કરવા માટે જાહેર પોર્ટનો ઉપયોગ કરતા હોય છે, જે જોખમી બની શકે છે. અજાણ્યા લોકો પાસેથી મળેલા USB કેબલનો ઉપયોગ પણ ખતરનાક સાબિત થઈ શકે છે. જો કોઈ ડિવાઇસ જ્યૂસ જૅકિંગનો શિકાર બન્યું હોય તો કેટલાક સંકેતો જોવા મળી શકે છે. જેમ કે ફોનની બેટરી ઝડપથી ખાલી થવી, ડિવાઇસ ધીમું પડી જવું, વધુ ડેટાનો ઉપયોગ થવો, ફોન ગરમ થવો અથવા અજાણી એપ્સ અને પોપ-અપ્સ દેખાવા. જોકે, ઘણા કિસ્સામાં લાંબા સમય સુધી યુઝરને ખબર પણ પડતી નથી.
સાયબર નિષ્ણાતો કહે છે કે થોડા સરળ ઉપાયો અપનાવીને જ્યૂસ જૅકિંગથી બચી શકાય છે. હંમેશાં પોતાનો ચાર્જર અને એડેપ્ટર વાપરવો જોઈએ અને જાહેર USB પોર્ટનો ઉપયોગ ટાળવો જોઈએ. સાથે જ પાવર બેંક રાખવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. USB Data Blocker નો ઉપયોગ કરવાથી ફક્ત ચાર્જિંગ શક્ય બને છે અને ડેટા ટ્રાન્સફર બંધ થઈ જાય છે. ફોન USB સાથે જોડતી વખતે Charge Only વિકલ્પ પસંદ કરવો જોઈએ અને અજાણી ડિવાઇસ માટે Trust કરવાની મંજૂરી આપવી નહીં. ટેક્નોલોજી વધુ આધુનિક બની રહી છે તેમ સાયબર હુમલાઓ પણ વધુ સ્માર્ટ બની રહ્યા છે. ખાસ કરીને USB-C અને સ્માર્ટ ચાર્જિંગ સિસ્ટમ્સના વધતા ઉપયોગ સાથે ભવિષ્યમાં આવા હુમલાઓનું જોખમ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી હવે સાયબર સુરક્ષા માત્ર IT નિષ્ણાતોની નહીં પરંતુ દરેક સ્માર્ટફોન યુઝરની જરૂરિયાત બની ગઈ છે.