ભારતીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે સરકાર દ્વારા ઈમ્પોર્ટ ટેરિફમાં વધારો કર્યા બાદ કિંમતી ધાતુઓમાં જોરદાર તેજી જોવા મળી હતી, પરંતુ આજે બજાર ખુલતાં જ રોકાણકારોએ નફાખોરી શરૂ કરતાં ભાવમાં મોટો કડાકો આવ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાતા બજારમાં ફરી એકવાર અસ્થિરતા જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ચાંદીના ભાવમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી લગભગ 3,961 ઘટીને 2,96,277 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. અગાઉના સત્રમાં ચાંદી 3,00,238 પર બંધ રહી હતી. એટલે કે એક જ દિવસમાં ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીમાં સતત તેજી બાદ રોકાણકારોએ પોતાના નફા બુક કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે આ ઘટાડો આવ્યો છે.
બીજી તરફ સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. MCX પર સોનું લગભગ 0.31 ટકા ઘટીને 1,61,682 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. દિવસ દરમિયાન સોનાએ 1,61,027ની નીચી સપાટી પણ સ્પર્શી હતી. જોકે ઘટાડો ચાંદીની સરખામણીએ ઓછો રહ્યો, પરંતુ સતત તેજી બાદ સોનામાં પણ પ્રોફિટ બુકિંગનો દબાણ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. બજાર વિશ્લેષકો માને છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી વૈશ્વિક અસ્થિરતા, અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળી રહ્યા હતા. જેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. પરંતુ ગઈકાલની તેજી બાદ આજે ઘણા રોકાણકારોએ નફો કમાઈને બજારમાં વેચવાલી શરૂ કરી દીધી, જેના કારણે ભાવ નીચે આવ્યા છે. સરકાર દ્વારા ઈમ્પોર્ટ ટેરિફમાં વધારો પણ બજારમાં ભારે હલચલનું કારણ બન્યો છે. ટેરિફ વધતા કિંમતી ધાતુઓના આયાત ખર્ચમાં વધારો થયો હતો, જેના કારણે ગઈકાલે ભાવમાં ઉછાળો આવ્યો હતો. પરંતુ બજારમાં વધેલા ભાવ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને આજે પ્રોફિટ બુકિંગના કારણે બજાર દબાણ હેઠળ આવી ગયું.
આંતરરાષ્ટ્રીય બજારની અસર પણ ભારતીય બજાર પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સમાં વધઘટ અને અમેરિકાની વ્યાજદરમાં સંભવિત ફેરફાર અંગેની ચર્ચાઓ પણ સોના-ચાંદીના ભાવને પ્રભાવિત કરી રહી છે. વૈશ્વિક રોકાણકારો હાલ સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરી રહ્યા છે, જેના કારણે કિંમતી ધાતુઓમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. રોકાણકારો માટે નિષ્ણાતોનું માનવું છે કે હાલના સમયમાં સોના અને ચાંદીમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તેથી ટૂંકા ગાળાના રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે. લાંબા ગાળાના રોકાણ માટે હજુ પણ સોનું સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ હાલના બજાર ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને સમજદારીપૂર્વક નિર્ણય લેવો જરૂરી બની ગયો છે. આગામી દિવસોમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ, અમેરિકાની આર્થિક નીતિઓ અને ડોલરની ચાલ કિંમતી ધાતુઓના ભાવ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો વૈશ્વિક તણાવ વધશે તો ફરી સોના-ચાંદીમાં તેજી આવી શકે છે, જ્યારે બજારમાં સ્થિરતા આવશે તો ભાવમાં વધુ નરમાઈ જોવા મળી શકે છે.