સોના અને ચાંદીના ભાવમાં આજે એટલે કે 1 જૂનના રોજ ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કિંમતી ધાતુઓના બજારમાં ચાલી રહેલી નરમાઈ વચ્ચે સોનાના ભાવમાં 864નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી પણ 450 સસ્તી થઈ છે. પરિણામે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.56 લાખની નીચે સરક્યો છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2.63 લાખની આસપાસ પહોંચી ગયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા મુજબ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,55,599 રહ્યો છે. આ સાથે સોનું તેના ઓલટાઇમ હાઈથી લગભગ 20 હજાર નીચે આવી ગયું છે. બીજી તરફ ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,62,900 નોંધાયો છે.
કેરેટ પ્રમાણે આજના સોનાના ભાવ
24 કેરેટ સોનાની કિંમત 1,55,599 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનું 1,42,529 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. 18 કેરેટ સોનાનો ભાવ 1,16,699 રહ્યો છે, જ્યારે 14 કેરેટ સોનું 91,025 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. દેશના વિવિધ શહેરોમાં પણ સોનાના ભાવમાં ઘટાડાનો પ્રભાવ જોવા મળ્યો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,56,270 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. મુંબઈ અને કોલકાતામાં ભાવ 1,56,220 છે. દિલ્હી, જયપુર અને લખનઊમાં સોનું 1,56,370 પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. જ્યારે ભોપાલ અને પટનામાં તેની કિંમત 1,56,270 છે. વર્ષ 2026ની શરૂઆતમાં સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ આશરે 1.33 લાખ પ્રતિ 10 ગ્રામ હતો. ત્યારબાદ માત્ર એક મહિનામાં જ સોનાએ 29 જાન્યુઆરી 2026ના રોજ 1,76,121નો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ ત્યારથી સતત નફાખોરી અને વૈશ્વિક બજારની સ્થિતિને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સોનું તેના સર્વોચ્ચ સ્તરથી લગભગ 20 હજાર સસ્તું થઈ ગયું છે.
ચાંદીના ભાવમાં સોનાની સરખામણીમાં વધુ મોટો ઘટાડો નોંધાયો છે. 29 જાન્યુઆરીએ ચાંદી પ્રતિ કિલો 3,85,933ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. પરંતુ ત્યારબાદ બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આજે ચાંદીનો ભાવ 2,62,900 પ્રતિ કિલો છે. એટલે કે માત્ર 123 દિવસમાં ચાંદીના ભાવમાં 1.23 લાખથી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડો કિંમતી ધાતુઓના બજારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલા સૌથી મોટા ઘટાડાઓમાંથી એક માનવામાં આવે છે.
ભાવ કેમ ઘટી રહ્યા છે?
સામાન્ય રીતે યુદ્ધ અથવા વૈશ્વિક અસ્થિરતાના સમયમાં રોકાણકારો સોનું અને ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિમાં રોકાણ કરે છે, જેના કારણે ભાવ વધે છે. પરંતુ આ વખતે સ્થિતિ થોડું અલગ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ઘણા રોકાણકારો સોનું અને ચાંદી વેચીને રોકડ એકઠી કરી રહ્યા છે. અનિશ્ચિત સમયમાં હાથમાં રોકડ રાખવાનું વધુ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે. બીજું મહત્વનું કારણ પ્રોફિટ બુકિંગ છે. જાન્યુઆરીમાં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ મોટા રોકાણકારોએ પોતાના નફાને સુરક્ષિત કરવા માટે વેચવાલી શરૂ કરી હતી. બજારમાં સપ્લાય વધતાં ભાવ પર દબાણ આવ્યું છે.
સોનું ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો
નિષ્ણાતોનું કહેવું છે કે સોનું ખરીદતી વખતે હંમેશા BIS હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદવું જોઈએ. હોલમાર્ક સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે. આ ઉપરાંત ખરીદી પહેલાં વિવિધ સ્રોતો પરથી સોનાના તાજા ભાવની ચકાસણી કરવી પણ જરૂરી છે. આથી ગ્રાહકોને યોગ્ય કિંમત પર ખરીદી કરવામાં મદદ મળે છે અને છેતરપિંડીની શક્યતા ઘટે છે.