Entertainment

લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ

ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નાંબિયારે આખરે પોતાના સંબંધોને લઈને ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. છેલ્લા ઘણા સમયથી બંનેના સંબંધોમાં તણાવ હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. હવે કપલે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેમણે લગ્નના લગભગ ચાર વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. મૌની રોય અને સૂરજ નાંબિયારે સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ પોસ્ટ શેર કરીને પોતાના અલગ થવાની પુષ્ટિ કરી છે. પોસ્ટમાં બંનેએ જણાવ્યું કે ઘણાં વિચારવિમર્શ અને વ્યક્તિગત પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. બંનેએ કહ્યું કે તેઓ આ પરિસ્થિતિને શાંતિ, સમજદારી અને પરસ્પર સન્માન સાથે સંભાળવા માગે છે.

કપલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને તેઓ ઈચ્છે છે કે લોકો તથા મીડિયા તેમની પ્રાઇવસીનું સન્માન કરે. તેમણે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમની પર્સનલ લાઇફને લઈને અનેક ખોટી અને બિનઆધારભૂત વાતો ફેલાવવામાં આવી રહી હતી. મૌની રોયે ખાસ અપીલ કરતાં કહ્યું કે લોકો અને મીડિયા કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવાનું ટાળે. તેમણે જણાવ્યું કે ઘણા રિપોર્ટ્સમાં જે પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી તે હકીકતથી ઘણી દૂર હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઈને ચર્ચાઓ તેજ બની હતી. ખાસ કરીને જ્યારે ચાહકોએ ધ્યાન આપ્યું કે મૌની અને સૂરજે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે, ત્યારથી બંનેના અલગ થવાના સમાચાર વધુ વાયરલ બન્યા હતા. ત્યારબાદથી જ તેમના છુટાછેડાને લઈને સતત અટકળો ચાલી રહી હતી.

મૌની રોય અને સૂરજ નાંબિયારે વર્ષ 2022માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને ચાહકોએ કપલ પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. પરંતુ હવે તેમના આ નિર્ણયથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, બંનેએ પોતાની પોસ્ટમાં કોઈ વિવાદ અથવા મતભેદ અંગે ખુલાસો કર્યો નથી. કપલે માત્ર એટલું જ જણાવ્યું છે કે બદલાતી વ્યક્તિગત પરિસ્થિતિઓ અને સલાહ બાદ તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર ચાહકો બંનેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કપલને મજબૂત રહેવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે, જ્યારે કેટલાક ચાહકો હજુ પણ આ સમાચારથી આશ્ચર્યમાં છે.

Most Popular

To Top