Dahod

વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ

ચૂંટણીના મનદુઃખે લીધો હિંસક વળાંક, ગ્રામજન પર હુમલો કરી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ
પોલીસની ત્વરિત કાર્યવાહીમાં આરોપી ઝડપાયો, હથિયાર અને લાયસન્સ અંગે તપાસ શરૂ

દાહોદ તા.15,
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ચૂંટણીના મનદુઃખને લઈને હિંસક ઘટના સામે આવી છે. નઢેલાવ જિલ્લા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ ઉમેદવાર શૈલેષ નારુભાઈ ભાભોરે એક ગ્રામજન પર હુમલો કરી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, શૈલેષ ભાભોર નઢેલાવ ગામમાં રહેતા મેમર ધારજીભાઈ ભાભોરના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જૂની અદાવત રાખી “તમોએ મને વોટ કેમ આપ્યા નહીં?” કહી બોલાચાલી શરૂ કરી હતી. વાત વધતા ઉશ્કેરાયેલા શૈલેષે મેમરભાઈને બિભત્સ ગાળો આપી લાતો અને ઝાપટા મારી શારીરિક હુમલો કર્યો હતો.
આ દરમિયાન “આજે તો તને પતાવી જ દેવાનો છું” તેવી ધમકી આપતા મેમરભાઈ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા હતા. ત્યારબાદ શૈલેષ ભાભોરે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોર શૈલેષ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટના બાદ ભોગ બનનાર પરિવારે તાત્કાલિક જેસાવાડા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે મામલાની ગંભીરતા સમજી મેમરભાઈની ફરિયાદના આધારે શૈલેષ ભાભોર વિરુદ્ધ ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપી શૈલેષ ભાભોરની અટકાયત કરી લીધી છે. ફાયરિંગમાં વપરાયેલા હથિયાર તેમજ તેના લાયસન્સ અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top