દેશમાં માર્ગ પરિવહન અને વાહનવ્યવહારને આધુનિક બનાવવાની દિશામાં મોટા પાયે બડાઈઓ મારવામાં આવે છે. ‘સુપરફાસ્ટ’ અને ‘વર્લ્ડ ક્લાસ’ એક્સપ્રેસવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણના દાવાઓ સાથે એવો માહોલ ઊભો કરવામાં આવે છે જાણે આપણે યુરોપ કે અમેરિકાના રસ્તાઓ પર ગાડી ચલાવી રહ્યા હોઈએ. પરંતુ વાસ્તવિકતા જમીન પર સાવ જુદી અને ભયાનક છે. ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે આજે બે મુખ્ય રોગથી પીડાઈ રહ્યા છે: એક, રસ્તાઓ પર રાજ કરતા રખડતા ઢોર અને બીજું, પ્રથમ વરસાદ કે થોડા સમયમાં જ ધોવાઈ જતા રસ્તાઓ પર પડેલા જીવલેણ ખાડા.
હાલમાં જ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. જે મુજબ, જો હાઇવે પર કોઈ માલિક પોતાના પશુઓને છોડી દેશે તો તેની સામે આકરા પગલાં લેવાશે, ભારે દંડ ફટકારવામાં આવશે અને પશુ અતિક્રમણ અધિનિયમ, ૧૮૭૧ હેઠળ પ્રાણીઓને જપ્ત કરી વેચીને પણ દંડ વસૂલ કરાશે. દર ૧૦૦ કિલોમીટરે પશુ આશ્રયસ્થળો બનાવવાની વાત પણ આ નીતિમાં કરવામાં આવી છે. કાગળ પર આ યોજના સુમેળભરી અને સુંદર લાગે છે, પરંતુ સવાલ એ થાય છે કે શું માત્ર નવી SOP જારી કરી દેવાથી કે કાગળ પર દંડની જોગવાઈઓ લખી દેવાથી વાસ્તવિકતા બદલાઈ જશે?
હાઇ-સ્પીડ એક્સપ્રેસવે બનાવવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વાહનચાલક ૧૦૦ થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે. પરંતુ ભારતના એક્સપ્રેસવે પર સ્થિતિ એવી છે કે અચાનક વળાંક પર કે રાત્રિના અંધકારમાં રસ્તાની વચ્ચે ગાય, ભેંસ કે આખલાનું ટોળું ઊભું હોય છે. પરિણામે, ક્ષણવારમાં ભયાનક અકસ્માત સર્જાય છે. રખડતા ઢોરની સમસ્યાથી આગળ વધીએ તો બીજો મોટો ભ્રષ્ટાચાર અને બેદરકારી એક્સપ્રેસવે અને નેશનલ હાઇવેના નિર્માણ ગુણવત્તામાં જોવા મળે છે.
કરોડો-અબજો રૂપિયાના ખર્ચે બનેલા એક્સપ્રેસવે એક જ ચોમાસામાં ધોવાઈ જાય છે. હાઇવે પર જ્યારે વાહન ૧૦૦ની ઝડપે જતું હોય ત્યારે નાનામાં નાનો ખાડો પણ ગાડીનું સસ્પેન્શન તોડી શકે છે, ટાયર ફાડી શકે છે કે ગાડીને પલટી ખવડાવી શકે છે. અનેક કિસ્સાઓમાં ખાડાથી બચવાના પ્રયાસમાં વાહનચાલક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દે છે અથવા બાજુમાંથી પસાર થતા અન્ય વાહન સાથે અથડાઈ જાય છે.
સૌથી વધુ આક્રોશજનક બાબત એ છે કે વાહનચાલકો પાસેથી દરેક ટોલ પ્લાઝા પર ભારે રકમનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. જો જનતા પાસેથી “વર્લ્ડ ક્લાસ” રસ્તાનો ટેક્સ વસૂલાતો હોય, તો તેમને “થર્ડ ક્લાસ” અને ખડ્ડા રાજવાળા રસ્તા કેમ આપવામાં આવે છે? કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોની મિલિભગતને કારણે નબળી ગુણવત્તાનું ડામર કે સિમેન્ટ વપરાય છે, અને પરિણામે ઉદ્ઘાટનના થોડા જ મહિનાઓમાં રસ્તાઓ બિસ્માર બની જાય છે.
જ્યારે અકસ્માત થાય ત્યારે કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કડક કારવાઈ થતી નથી. સરકાર કહે છે કે પશુ અતિક્રમણ અધિનિયમ, ૧૮૯૧ હેઠળ પશુ માલિકોને દંડવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ છે કે હાઇવે પર ભટકતા પશુનો માલિક કોણ છે તે નક્કી કેવી રીતે થશે? શું હાઇવે ઓથોરિટી પાસે એવું કોઈ ટેકનોલોજીકલ માળખું છે? જો પશુ પર ટેગ ન હોય તો દંડ કોની પાસેથી વસૂલશો? બીજી તરફ, હાઇવે પર પશુઓને હટાવવા માટે જે હાઇવે પેટ્રોલીંગ વાહનો હોવા જોઈએ તે માત્ર કાગળ પર કે ટોલ પ્લાઝા નજીક ઊભેલા જોવા મળે છે.
માત્ર નવી SOP જાહેર કરી દેવાથી કે દંડના કાયદા બતાવી દેવાથી નાગરિકોની અકસ્માતમાં થતી બલિહારી અટકવાની નથી. જો સરકાર ખરેખર હાઇવેને સુરક્ષિત બનાવવા માંગતી હોય તો કેટલાક પગલાઓ લેવા જ પડે તેવી સ્થિતિ છે. જેમાં તમામ એક્સપ્રેસવે અને નેશનલ હાઇવેની બંને બાજુએ મજબૂત કોંક્રિટ અથવા મેટલ બેરિયર હોવા જોઈએ જેથી પશુઓ રસ્તા પર પ્રવેશી જ ન શકે. રસ્તા પર પડેલા ખાડા કે નબળા બાંધકામ કારણે જો કોઈ અકસ્માત થાય અને જીવ જાય, તો સંબંધિત કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાવો જોઈએ. દર ૨૦-૩૦ કિલોમીટરે હાઇવે ઓથોરિટીની સ્ક્વોડ સક્રિય હોવી જોઈએ, જે રસ્તા પર પશુ દેખાય કે તરત તેને સુરક્ષિત રીતે ખસેડે અને રસ્તા પરના ખાડાઓનું તાત્કાલિક રીપેરિંગ પેચવર્ક કરે.
ગામડાઓ અને હાઇવે નજીકના વિસ્તારોમાં પશુઓનું ફરજિયાત માઇક્રોચિપ અથવા ટેગિંગ થવું જોઈએ જેથી રખડતા પશુના માલિકને તુરંત શોધીને આકરો દંડ કરી શકાય. દરેક નાગરિક જ્યારે રોડ ટેક્સ અને ટોલ ટેક્સ ચૂકવે છે, ત્યારે તે સુરક્ષિત મુસાફરીનો હક ખરીદે છે. વાહનચાલકોનો જીવ એટલો સસ્તો નથી કે તેને કમિશનખોર કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને રખડતા પશુઓના ભરોસે છોડી દેવાય. સરકારે હવે કાગળ પરની યોજનાઓમાંથી બહાર આવીને એક્સપ્રેસવેની ભયાનક વાસ્તવિકતા બદલવા માટે કડક અને નક્કર પગલાં ભરવા જ પડશે