Gujarat

​સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો

ગાંધીનગર,તા.15

રાજ્યના યુવા ડોક્ટરોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના પરિશ્રમને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં આઠ હજારનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી વિદ્યાર્થી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

સ્ટાઈપેન્ડમાં ધરખમ વધારો

અગાઉ ઇન્ટર્ન ડોક્ટરોને માસિક ₹૧૨,૦૦૦ સ્ટાઈપેન્ડ મળતું હતું, જેમાં રાજ્ય સરકારે મોટો વધારો કરી હવે ₹૨૦,૧૬૦ આપવાનો નિર્ણય કર્યો છે. આ વધારો સરકારી ધોરણોને અનુરૂપ કરવામાં આવ્યો છે, જે ઇન્ટર્નશિપ દરમિયાન દિવસ-રાત સેવા આપતા યુવા ડોક્ટરો માટે આર્થિક સંબળ પૂરું પાડશે.સિદ્ધપુર ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ ઓછુ સ્ટાઈપેન્ડ મળતું હોવાની રજૂઆત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને કરી હતી, જેના પગલે પાનસેરિયાએ આ બાબત ચકાસી લેવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.જેમા ટેકનિકલ કારણોસર સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડૉકટરોને 8 હજાર જેટલું સ્ટાઈપેન્ડ ઓછું મળતું હોવાની વિગતો બહાર આવી હતી.

​સરકારનો સંવેદનાપૂર્ણ અભિગમ

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે.” તેમણે ઉમેર્યું કે આ નિર્ણય માત્ર આર્થિક સહાય નથી, પરંતુ વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણની કદર છે.

રજૂઆતને મળી સફળતા
કોલેજના ડીન અને વહીવટી વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા સમક્ષ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય સ્ટાઈપેન્ડ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપી ત્વરિત અમલ કરવામાં આવ્યો છે.
​વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં હર્ષની લાગણી

રાજય સરકારના નિર્ણયને વધાવતા સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આ વધારાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે અને સેવાભાવ વધુ મજબૂત બનશે. કોલેજના તમામ ડોક્ટર સ્ટાફ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ હૃદયપૂર્વક મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top