Vadodara

BCAના સત્તા-સંઘર્ષમાં નવો વળાંક, રોયલ સત્યમેવ જયતે ગ્રુપનો CEO પર મનસ્વી નિર્ણયોના આક્ષેપ

હાઈકોર્ટની કેરટેકર બોડીને મીટિંગમાં ન બોલાવાતી હોવાની ફરિયાદ, BPLના 10 કરોડના ખર્ચ પર સવાલ :

હાઈકોર્ટનો નિર્ણય અમારા પક્ષમાં,હવે અમે મક્કમતાથી કાયદેસરની લડત આપીશું : ડો.બેંકર

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો સત્તા સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. હાઈકોર્ટના તાજેતરના ચુકાદા બાદ રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા સત્તાધારી પક્ષ અને બીસીએના વહીવટ પર ગંભીર આક્ષેપો કરાયા છે.

કેરટેકર બોડીની અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગ્રુપના અગ્રણી દર્શન બેંકરે જણાવ્યું કે, હાઈકોર્ટે પાંચ સભ્યોની કેરટેકર બોડી બનાવી હોવા છતાં વર્તમાન સત્તાધીશો આ સભ્યોને કોઈ મહત્વની મીટિંગમાં બોલાવતા નથી. વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે , બીસીએના સીઈઓ મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે. કેરટેકર સભ્ય અનંત ઈંદુલકરે પણ બોડીની અવગણના થતી હોવાની ફરિયાદ કરી છે.

ગત વર્ષે યોજાયેલી બરોડા પ્રીમિયર લીગ પાછળ અંદાજે 10 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ થયો હોવાનો રોયલ સત્યમેવ જયતે ગ્રુપે ખુલાસો કર્યો હતો. ગ્રુપ આગેવાનોએ બીપીએલ વડોદરામાં રમાય તેની સામે વાંધો નથી, પરંતુ ખર્ચની પારદર્શિતા જરૂરી છે. ખેલાડીઓના વિકાસ માટે થતા ખર્ચનો હિસાબ જાહેર થવો જોઈએ. હાઈકોર્ટે ચૂંટણી પરિણામોને ધ્યાને રાખી પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત 4 સભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. જોકે, વર્તમાન સત્તાધીશો આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. દર્શન બેંકરે વધુમાં કહ્યું કે, હાઈકોર્ટનો નિર્ણય અમારા પક્ષમાં છે. હવે અમે મક્કમતાથી કાયદેસરની લડત આપીશું.

Most Popular

To Top