ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે, પરંતુ હવામાન વિભાગ અને નિષ્ણાતોના અનુમાન મુજબ આ વખતે ચોમાસું સમય પહેલા જ દસ્તક આપી શકે છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં સર્જાયેલી અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસાની ગતિ તેજ બની રહી છે. હાલ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ આગામી કલાકોમાં વધુ મજબૂત બને તેવી સંભાવના છે. તેના કારણે દક્ષિણ ભારત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ સિસ્ટમ ચોમાસાને ઉત્તર દિશામાં ઝડપથી આગળ ધપાવવામાં મદદરૂપ બની રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સાગર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. આ સાથે દેશના વિવિધ ભાગોમાં વરસાદ, ગાજવીજ, વાવાઝોડું, કરા પડવા અને ક્યાંક ગરમીની મિશ્ર અસર જોવા મળી શકે છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના ઉત્તરી કિનારા નજીક સર્જાયેલું લો-પ્રેશર ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તેની અસરથી આંદામાન-નિકોબાર ટાપુઓ તેમ જ પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 30થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ઉત્તર ભારતના અનેક રાજ્યો માટે પણ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પહેલેથી જ વાવાઝોડા અને વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે રાજ્ય માટે આગામી બે દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 12થી 15 મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા પણ છે. પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે. કરા પડવાની શક્યતા હોવાને કારણે ફળ અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દક્ષિણ ભારત માટે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 14થી 17 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય, મણિપુર અને અન્ય રાજ્યોમાં પણ આગામી દિવસોમાં સારો વરસાદ થઈ શકે છે. ઓડિશાના અનેક જિલ્લાઓમાં આગામી છ દિવસ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. રાજ્યના 20 જિલ્લાઓમાં વીજળી પડવાની અને તેજ પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં હીટવેવ જેવી સ્થિતિ રહી શકે છે. પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં 12થી 17 મે સુધી લૂ ચાલવાની શક્યતા છે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મરાઠવાડામાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દેશભરમાં હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળી શકે છે. ક્યાંક વરસાદથી રાહત મળશે તો ક્યાંક ગરમી અને વાવાઝોડા લોકોને પરેશાન કરી શકે છે. તેથી લોકોને સાવચેત રહેવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.