સ્ટાફ નર્સ અને તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
આણંદ
ખંભાત શહેરની જનરલ હોસ્પિટલમાં પિતાની સારવાર માટે ગયેલા એક વકીલ સાથે હોસ્પિટલની સ્ટાફ નર્સ અને તેના પતિએ બોલાચાલી બાદ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ખંભાત સિટી પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ખંભાતના ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા 48 વર્ષીય હિરેનકુમાર પરષોત્તમભાઈ વ્યાસ ગત 11 મે, 2026ના રોજ સાંજના સમયે તેમના લકવાગ્રસ્ત પિતાને સારવાર માટે ખંભાત જનરલ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગમાં પિતાને વ્હીલચેર પર બેસાડવા અને સારવારની પ્રક્રિયા દરમિયાન ફરજ પર હાજર સ્ટાફ નર્સ તૃપ્તિબેન અશ્વિનભાઈ વ્યાસ સાથે તેમની બોલાચાલી થઈ હતી.
ફરિયાદ અનુસાર, બોલાચાલી ઉગ્ર બનતા સ્ટાફ નર્સ તૃપ્તિબેને વકીલને અપશબ્દો કહી ગાલ પર લાફો માર્યો હતો. ત્યારબાદ નર્સે તેના પતિ અશ્વિનભાઈ અંબાલાલ વ્યાસને ફોન કરી હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા.
આક્ષેપ મુજબ, અશ્વિનભાઈ હોસ્પિટલ પહોંચ્યા બાદ હિરેનકુમાર વ્યાસ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ “આજે તો બચી ગયો છે, હવે પછી નામ લીધું તો જીવતો નહીં છોડું” જેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઘટના બાદ હિરેનકુમાર વ્યાસે ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્ટાફ નર્સ તૃપ્તિબેન અને તેમના પતિ અશ્વિનભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ભદ્રસિંહ ઘનશ્યામસિંહ દ્વારા કરવામાં આવી રહી છે.