Anand

આણંદમાં ચાલુ રીક્ષામાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે દરોડો પાડી આરોપીને દબોચ્યો
રોકડ, સી.એન.જી. રીક્ષા અને મોબાઈલ સહિત કુલ ₹71,490નો મુદ્દામાલ જપ્ત

આણંદ:
આણંદ શહેરના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જર રીક્ષા ચલાવવાની આડમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસની સતર્કતાને કારણે ચાલુ રીક્ષામાં ચાલતા આ ગેરકાયદે જુગારધામનો પર્દાફાશ થયો છે અને પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચનાથી પ્રોહીબિશન અને જુગારની બદી ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરી દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહેમદને ચોક્કસ બાતમી મળી હતી કે, સી.એન.જી. રીક્ષા નંબર જી.જે.07 વાય.ઝેડ. 7718 નો ચાલક પોતાના મોબાઈલ દ્વારા વરલી મટકાના આંકડા લખે છે. આ રીક્ષા નેશનલ હાઇવે નંબર 8થી મોટી શાક માર્કેટ થઈ સામરખા ચોકડી બ્રિજ નીચે આવનાર છે તેવી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
આથી, પોલીસે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી રીક્ષા ચાલક મહમંદરફીક ઉસ્માનભાઇ વ્હોરા (રહે. પેરામાઉન્ટ સોસાયટી, આણંદ) ને આંકડા લખતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબીએ સીએનજી રીક્ષા, મોબાઈલ, રોકડ, આંકડા લખેલ ડાયરી અને કાર્બન પેન સહિત કુલ રૂ. 71,490 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ ૧૨(અ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પી.આઈ. સી.પી. ચૌધરી, પી.એસ.આઈ. આઈ.જે. રાણા તથા અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Most Popular

To Top