દિલ્હીથી બેંગલુરુ સુધી ક્યાં કેટલો છે ઇંધણનો ભાવ?
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને લોકોમાં સતત ઉત્સુકતા જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો છતાં 12 મે, 2026ના રોજ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરવામાં આવે છે અને આજે પણ કિંમતોમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી.
નવી દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹94.77 રહ્યો છે જ્યારે ડીઝલ ₹87.67 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ₹103.54 પ્રતિ લિટર અને ડીઝલ ₹90.03 પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ ₹105.45 પ્રતિ લિટર નોંધાયો છે જ્યારે ડીઝલ ₹92.02 પ્રતિ લિટર છે. બેંગલુરુમાં પેટ્રોલ ₹102.96 અને ડીઝલ ₹90.99 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
દેશના વિવિધ શહેરોમાં ટેક્સ અને વેટના કારણે ઇંધણના ભાવમાં તફાવત જોવા મળે છે. કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી ઉપરાંત દરેક રાજ્ય પોતાનો VAT વસૂલતું હોવાથી શહેર પ્રમાણે કિંમતો બદલાય છે. ખાસ કરીને મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરોમાં પેટ્રોલના ભાવ ₹100થી ઉપર ચાલી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કરી હતી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસરને ધ્યાનમાં રાખીને તેમણે ઇંધણ બચત પર ભાર મૂક્યો હતો. PM મોદીએ લોકોને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન, કાર પૂલિંગ અને “વર્ક ફ્રોમ હોમ” અપનાવવા પણ સૂચન કર્યું હતું.
સરકારના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં ગ્રાહકો પર તેનો ભાર નાખી રહી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, OMCs દરરોજ આશરે ₹1,000 કરોડનું નુકસાન સહન કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખી રહી છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધશે અને કાચા તેલના ભાવ સતત ઊંચા રહેશે તો આગામી દિવસોમાં ભારતમાં પણ ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે. હાલમાં સરકાર અને ઓઇલ કંપનીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે.
આ દરમિયાન દેશભરમાં પેટ્રોલ પંપો પર લોકોની અવરજવર વધી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. કેટલાક શહેરોમાં લોકો ભાવ વધારાની આશંકાને કારણે અગાઉથી જ ટાંકી ફુલ કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પ્રકારની અછત નથી.