અટલાદરા પોલીસે CCTV ફૂટેજ મેળવી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા, ઇજાગ્રસ્તો ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ
(પ્રતિનિધિ), વડોદરા. તા.12
વડોદરાના કલાલી વિસ્તારના બાપુનગરમાં મોડી રાત્રે જૂની અદાવતનો કરુણ અંજામ જોવા મળ્યો હતો. વર્ષોથી ચાલતી દુશ્મનાવટે લોહીયાળ સ્વરૂપ ધારણ કરતા, એક જ પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાપુનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર અચાનક હુમલાખોરોનું ટોળું તૂટી પડ્યું હતું. હુમલાખોરો છરી અને તીક્ષ્ણ હથિયારો સાથે સજ્જ થઈને આવ્યા હતા અને જોતજોતામાં પરિવારના સભ્યોને નિશાન બનાવી લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલા બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સભ્યોને તાત્કાલિક ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક સભ્યોની હાલત નાજુક છે.
ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને આસપાસના તમામ CCTV ફૂટેજ કબ્જે કર્યા છે. હુમલાખોરોની ઓળખ મેળવવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પરિવારના સભ્યોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.
ભોગ બનનાર પરિવારના સભ્યોએ ભારે રોષ સાથે આક્ષેપ કર્યો છે કે સામો પક્ષ લાંબા સમયથી હેરાન કરતો હતો અને તેઓનો ગુનાહિત ઇતિહાસ છે. પરિવારે માંગ કરી છે કે, અમે ન્યાય ઇચ્છીએ છીએ. હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવું દુઃસાહસ ન કરે.
હાલમાં જૂની અદાવત પાછળનું ચોક્કસ કારણ શું હતું અને હુમલા પાછળ કોણ માસ્ટરમાઇન્ડ છે, તે દિશામાં અટલાદરા પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો પૂર્વ આયોજિત હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે.