Business

પ્રાથમિક શાળાના આચાર્યોને હવે મળશે સત્રાંત નિવૃત્તિનો લાભ

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, શિક્ષકોની જેમ આચાર્યો પણ સત્ર પૂર્ણ થયા બાદ જ નિવૃત્ત થશે
શાળાના વહીવટમાં રહેશે સાતત્ય, આચાર્ય મહામંડળની લાંબા સમયથી હતી માંગ

(પ્રતિનિધિ) વડોદરા, તા.11
રાજ્યના પ્રાથમિક શાળાના આચાર્યો માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રાથમિક શાળાના આચાર્યોને પણ શિક્ષકોની જેમ “સત્રાંત નિવૃત્તિ”નો લાભ આપવામાં આવશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી રાજ્યના પ્રાથમિક શિક્ષકોને જો શૈક્ષણિક સત્ર દરમિયાન નિવૃત્તિની વય પૂર્ણ થતી હોય તો તેઓ સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી પોતાની ફરજ બજાવી શકતા હતા. જોકે આચાર્યોને આ સુવિધા મળતી ન હોવાથી તેઓને નિવૃત્તિની નિર્ધારિત તારીખે જ ફરજમુક્ત થવું પડતું હતું. જેના કારણે શાળાના વહીવટ અને શૈક્ષણિક કામગીરીમાં ઘણીવાર મુશ્કેલીઓ સર્જાતી હતી.
હવે શિક્ષણ વિભાગના નવા નિર્ણય અનુસાર જો કોઈ પ્રાથમિક શાળાના આચાર્યની નિવૃત્તિ તારીખ શૈક્ષણિક સત્ર દરમિયાન આવતી હશે, તો તેઓને સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ પર ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ જ તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત ગણાશે.
શિક્ષણજગતમાં આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સત્રની વચ્ચે આચાર્ય નિવૃત્ત થતાં શાળાના વહીવટ, પરીક્ષાઓ, શૈક્ષણિક આયોજન અને અન્ય પ્રશાસનિક કામગીરીમાં અવરોધ ઊભો થતો હતો. હવે આ નવી વ્યવસ્થાથી શાળાઓમાં વહીવટી સાતત્ય જળવાશે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ સકારાત્મક અસર પડશે.
આચાર્ય મહામંડળ દ્વારા લાંબા સમયથી આ માંગ ઉઠાવવામાં આવી રહી હતી. આચાર્યોનું માનવું હતું કે શિક્ષકો અને આચાર્યો બંને શૈક્ષણિક વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે, ત્યારે નિવૃત્તિ સંબંધિત લાભોમાં સમાનતા હોવી જોઈએ.
શિક્ષણ વિભાગના આ નિર્ણયને રાજ્યભરના હજારો પ્રાથમિક આચાર્યોએ આવકાર્યો છે અને સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે આ નિર્ણયથી શૈક્ષણિક વ્યવસ્થામાં સ્થિરતા અને સંચાલનમાં સરળતા વધશે.

Most Popular

To Top