ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. મંગળવારે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યાના થોડા કલાકો પછી હાર્દિકને હેમસ્ટ્રિંગમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો. આ શ્રેણી 13 જૂનથી શરૂ થાય છે.
32 વર્ષીય હાર્દિકને IPL દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે પીઠમાં જડતાનો સામનો કરવો પડ્યો હતો. તે ઈજામાંથી સ્વસ્થ થયા પછી ફિટનેસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે તે બેંગલુરુ પહોંચ્યો હતો. BCCIના સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી PTI એ અહેવાલ આપ્યો છે કે આ નવી ઈજાને કારણે તેને રિકવરી અને પુનર્વસન માટે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયાની જરૂર પડશે, જેના કારણે તે આગામી શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.
અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યા બેંગલુરુમાં ફિટનેસ ટેસ્ટના અંતિમ તબક્કામાં હતો. મૂલ્યાંકન દરમિયાન તેણે તેની મહત્તમ ક્ષમતા ચકાસવા માટે 10 ઓવરની સંપૂર્ણ ક્વોટા બોલિંગ કરી. એવું માનવામાં આવે છે કે લાંબા વિરામ પછી અચાનક સંપૂર્ણ ક્વોટા બોલિંગ કરવાથી તેના હેમસ્ટ્રિંગ પર વધુ પડતો ભાર પડ્યો, જેના કારણે નવી ઈજા થઈ.
રોહિત અને હાર્દિકે મંગળવારે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો
રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શનિવારથી શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણીમાં રમશે. બંનેએ તેમના ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા છે અને ટૂંક સમયમાં ટીમમાં જોડાવાના છે. રોહિત IPL દરમિયાન હેમસ્ટ્રિંગની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યા કમરની જડતાથી પરેશાન હતો. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે બંનેને ઈજા થઈ હતી. ફિટનેસ ક્લિયરન્સને આધીન તેમને ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીનો પહેલો મુકાબલો 13 જૂન, શનિવારના રોજ ધર્મશાલામાં રમાશે. શ્રેણીની બાકીની બે મેચ 17 જૂને લખનૌ અને 20 જૂને ચેન્નાઈમાં રમાશે. IPL 2026 દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે હાર્દિક થોડી મેચો ચૂકી ગયો હતો પરંતુ 24 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની અંતિમ મેચ માટે મેદાનમાં પાછો ફર્યો હતો.
કોહલી પહેલાથી જ શ્રેણીમાંથી બહાર
વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ એટલેકે જાંઘના મસલ્સના ખેંચાણને કારણે ટીમમાંથી બહાર છે. આ વર્ષની શરૂઆતમાં ગુજરાત સામે IPL ફાઇનલમાં રમતી વખતે તેને ઈજા થઈ હતી. અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમની જાહેરાત કરતી વખતે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું હતું કે કોહલીના સ્વસ્થ થવાની ચોક્કસ સમયરેખા અનિશ્ચિત છે. જ્યારે તે ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે સમયસર ફિટ થઈ શકે છે, તો પણ કંઈ ગેરંટી નથી. યશસ્વી જયસ્વાલને કોહલીના સ્થાને અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.