Vadodara

ગુજરાતમિત્રનો અહેવાલ રંગ લાવ્યો, સયાજી હોસ્પિટલની બંધ લિફ્ટ આખરે શરૂ

૫ દિવસથી હાલાકી ભોગવતા ડાયાલિસિસના દર્દીઓને મોટી રાહત, તંત્ર દોડતું થયું

(પ્રતિનિધિ), વડોદરા. તા.10

વડોદરા :- શહેરની મધ્યમાં આવેલી સરકારી સયાજી હોસ્પિટલની અંધેર વહીવટી નીતિ સામે ‘ગુજરાતમિત્ર’ દ્વારા ઉઠાવવામાં આવેલો અવાજ આખરે રંગ લાવ્યો છે. છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલની મહત્વની લિફ્ટ બંધ હોવાના કારણે દર્દીઓએ ભોગવવી પડતી હાલાકીનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ હોસ્પિટલ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું હતું. આજે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને બંધ લિફ્ટને રિપેર કરી પુનઃ કાર્યરત કરવામાં આવી છે, જેને પગલે દર્દીઓ અને તેમના પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે. રાજ્યભરમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી લિફ્ટ ટેકનિકલ ખામીના કારણે બંધ હાલતમાં ધૂળ ખાતી પડી હતી.

સૌથી વધુ કફોડી સ્થિતિ ડાયાલિસિસ કરાવવા આવતા ગંભીર દર્દીઓની થઈ હતી. લિફ્ટ બંધ હોવાને કારણે આ દર્દીઓને નાછૂટકે ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે ધક્કા ખાવા પડી રહ્યા હતા.

શારીરિક રીતે અત્યંત નબળા એવા ડાયાલિસિસના દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ શિફ્ટ કરવાના કારણે દર્દીઓ સહિત તેમના સગાં-સંબંધીઓને ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ‘ગુજરાતમિત્ર’એ જનતાની આ પીડાને વાચા આપતો સચોટ અહેવાલ સત્તાધીશોની આંખ ઉઘાડવા માટે પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ છપાતા જ જાગેલા તંત્રએ આજે સવારથી જ એન્જિનિયરોની ટીમ લગાડી લિફ્ટ શરૂ કરી દીધી છે.

Most Popular

To Top