સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) ની ઓફિસમાં સોમવારે સવારે અચાનક આગ લાગી હતી. આ ઘટના વીઆઈપી રોડ પર આવેલા વ્હાઈટ હાઉસ બિલ્ડિંગના ચોથા માળે બની હતી, જ્યાં DGGIની ઓફિસ કાર્યરત છે. આગ ખાસ કરીને ઓફિસના રેકોર્ડ રૂમમાં લાગી હોવાથી અનેક મહત્વના દસ્તાવેજો અને ફાઈલોને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 9:21 વાગ્યે ઓફિસ શરૂ થવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે રેકોર્ડ રૂમમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ બિલ્ડિંગમાં હાજર કર્મચારીઓ અને અન્ય લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.
આગની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વેસુ સહિત ત્રણ ફાયર સ્ટેશનમાંથી 6થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી હતી. ભારે ધુમાડાને કારણે ફાયર કર્મચારીઓને ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવી પડી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, આગ અને પાણીના કારણે રેકોર્ડ રૂમમાં રહેલી અનેક ફાઈલો અને દસ્તાવેજોને ભારે નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. DGGI વિભાગ મુખ્યત્વે GST કરચોરીના મોટા કેસોની તપાસ કરે છે. તેથી રેકોર્ડ રૂમમાં સંવેદનશીલ કેસોની ફાઈલો, પુરાવા અને જપ્ત કરાયેલા દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. આ દસ્તાવેજો બળી ગયા હોવાની શક્યતા સામે આવી રહી છે, જેના કારણે કેટલીક તપાસો પર અસર પડી શકે છે. ઘટનાની જાણ થતાં GST વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.