Karjan

ભરથાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન બબાલ, ગામમાં તણાવનો માહોલ

સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દરબાર અને આદિવાસી સમાજ આમને-સામને આવ્યા

કરજણ પોલીસે તાત્કાલિક પહોંચી મામલો થાળે પાડ્યો, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કરજણ: કરજણ તાલુકાના ભરથાણા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન નીકળેલા વરઘોડાને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ સર્જાતા ગામમાં તણાવનો માહોલ ઉભો થયો હતો. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દરબાર સમાજ અને આદિવાસી સમાજના લોકો સામસામે આવી ગયા હતા, જેના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ભરથાણા ગામમાં આદિવાસી સમાજના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી વરઘોડો નીકળ્યો હતો. દરમિયાન કોઈ સામાન્ય બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં મામલો સામાન્ય લાગતો હતો, પરંતુ થોડા જ સમયમાં બંને પક્ષ વચ્ચે ઉશ્કેરાટ વધતા વાતાવરણ ગરમાયું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ બંને જૂથ વચ્ચે ભારે હોબાળો અને ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને કારણે ગામમાં લોકોમાં ભય અને તણાવનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ તાત્કાલિક ભરથાણા ગામે પહોંચી ગઈ હતી અને બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ સમગ્ર મામલે એટ્રોસિટી તેમજ રાયોટિંગ હેઠળ ગુનો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર: મુકેશ અઠોરા

Most Popular

To Top