Business

નવનિર્મિત નાનાપોંઢા તાલુકાનું સૌથી વધુ વિકસિત કોલક નદીના કાંઠે વસેલું ગામ : નાનાપોંઢા

કરોડોના ખર્ચે બનેલું કોલ્ડ સ્ટોરેજ બંધ: ખેડૂતોની સુવિધા છીનવાઈ


નાનાપોંઢા ખાતે વર્ષો પૂર્વે આશરે 2 કરોડના અધધ ખર્ચે ખેડૂતોના હિત માટે કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ખેડૂતો પોતાની શાકભાજી અને અન્ય પાક લાંબા સમય સુધી સાચવી શકે અને જ્યારે બજારમાં સારા ભાવ મળે ત્યારે વેચી શકે તેવો હતો. જો કે, વહીવટી ઉદાસીનતાને કારણે આ પ્રોજેક્ટ નિષ્ફળ સાબિત થયો છે. લાંબા સમયથી વીજ બિલ ન ભરાવાને કારણે આ કોલ્ડ સ્ટોરેજ બંધ કરી દેવામાં આવ્યું હતું. અત્યંત આધુનિક સુવિધા ધરાવતું આ બિલ્ડિંગ હાલમાં મામલતદાર કચેરી તરીકે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની તૈયાર થયેલી શાકભાજી અને પાકને સંગ્રહ કરવાની સુવિધા છીનવાઈ જતાં, તેમને સસ્તા ભાવે માલ વેચવાની ફરજ પડી રહી છે. કરોડોનો ખર્ચ કરવા છતાં ખેડૂતોને તેનો લાભ ન મળતાં સરકારી નાણાંનો વ્યય થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
શ્વેતક્રાંતિ દ્વારા નારી શક્તિનું આર્થિક ઉત્થાન
નાનાપોંઢા ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત ‘નાનાપોંઢા દૂધ ઉત્પાદક સહકારી મંડળી’એ વિકાસની નવી ઊંચાઈ સર કરતાં 2.21 કરોડના ખર્ચે તૈયાર થયેલા પોતાના નૂતન અને અધતન ભવનમાં સ્થળાંતર કર્યું છે. આ પ્રસંગે મંડળીના ચેરમેન અને વસુધારા ડેરીનાં ડિરેક્ટર કલ્પનાબેન પ્રદીપભાઈ ભીંસરાએ જણાવ્યું હતું કે, પશુપાલનનો વ્યવસાય આજે મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સૌથી મહત્ત્વનું પરિબળ સાબિત થયો છે. કોરોનાકાળમાં જ્યારે સમગ્ર વિશ્વ થંભી ગયું હતું, ત્યારે પણ ડેરીઓની કામગીરી અવિરત ચાલુ રહી હતી, જેણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત ટેકો આપ્યો હતો. આ દૂધમંડળી 220 સભાસદ ધરાવે છે, જેમાં વર્ષ 2025-26 દરમિયાન સભાસદોને દૂધની આવક પેટે રૂ.1.68 કરોડથી વધુની માતબર રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે. મંડળીના સંચાલનમાં પારદર્શિતા લાવીને કલ્પનાબેન અને તેમની ટીમે મહિલાઓના આર્થિક વિકાસનું સ્વપ્ન સાકાર કર્યું છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, ખુદ ચેરમેન કલ્પનાબેન પ્રતિદિન 100 લીટર દૂધ ડેરીમાં ભરીને અન્ય સભાસદો માટે પ્રેરણારૂપ બન્યાં છે. મંડળીના સફળ સંચાલનમાં મંત્રી સુમનભાઈ આર. ભીંસરા સહિત કારોબારી સભ્યો વૈશાલીબેન હરેશભાઈ પટેલ, રેખાબેન નીતિનભાઈ પટેલ, આશાબેન દિનેશભાઈ ખાંડવી, રંજનબેન રસિકભાઈ ગાંવીત, મીનાબેન ગજુભાઈ પટેલ, હરિક્ષાબેન વિમલભાઈ ભીંસરા અને મનીષાબેન મુકેશભાઈ પટેલનો સહયોગ રહ્યો છે. આ મંડળી આજે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે સ્વાવલંબનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે.
નાનાપોંઢા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે ગૌરવ વધાર્યું


સ્થાનિક પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રાજકારણ, આરોગ્ય અને વહીવટી ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી શાળાનું નામ રોશન કર્યું છે. રાજકીય ફલક પર મુકેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન, ભાજપ ઉપાધ્યક્ષ અને સરપંચ તરીકે કાર્યરત છે, જ્યારે રમતુભાઈ ચૌધરીએ પણ સરપંચ તરીકે નામના મેળવી છે. તબીબી ક્ષેત્રે ડો.સમીર પટેલ (ઓર્થોપેડિક), ડો.મૃનાલી પટેલ (એનેસ્થેસિયા) અને ડો.હિરલ ચૌધરી (ગાયનેકોલોજિસ્ટ) નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યાં છે. વહીવટી ક્ષેત્રે અમીષાબેન પટેલ ક્લાસ-1 અધિકારી તરીકે રાજ્યમાં ફરજ બજાવે છે. વિશેષ નોંધનીય છે કે, આ જ શાળાના અંદાજે 500થી વધુ વિદ્યાર્થીઓ આજે વિવિધ સરકારી અને ખાનગી શાળાઓમાં શિક્ષક બની સમાજ ઘડતરનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે.
વાણિજ્ય અને વિનયન કોલેજ શરૂ થશે
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પ્રયાસોના પગલે નાનાપોંઢા તાલુકાને રાજ્ય સરકારે વાણિજ્ય અને વિનયન કોલેજ શરૂ કરવા મંજૂરી આપી છે. સંભવત કોલેજ નાનાપોંઢા ખાતે નિર્માણ પામશે. તાલુકાભરમાં ખુશીનો માહોલ સર્જાયો છે. કપરાડા તાલુકામાંથી અલગ નાનાપોંઢા તાલુકો બન્યાને ગણતરીના દિવસોમાં તાલુકો અને મામલતદાર કચેરી ફાળવ્યા બાદ સરકારે વધુ એક શૈક્ષણિક સુવિધા તરીકે વાણિજ્ય અને વિનયન કોલેજની મંજૂરી આપતાં હવે વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દૂરદૂર શહેરોમાં જવાથી મુક્તિ મળશે.
નાનાપોંઢાની પ્રાથમિક શાળાનો ‘પર્યાવરણ બચાવો’ પ્રોજેક્ટ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો
નાનાપોંઢા સ્થિત આદર્શ નઈ તાલીમ પ્રાથમિક શાળાએ શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ‘પર્યાવરણ બચાવો’ પ્રોજેક્ટને ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન મળ્યું છે, જે સમગ્ર પંથક માટે ગૌરવની બાબત છે. ૧ એપ્રિલ-૧૯૪૧ના રોજ સ્થપાયેલી આ ઐતિહાસિક શાળામાં હાલ ૪૪૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મુખ્ય શિક્ષક રાજુભાઈ જે. પટેલ અને ૧૪ શિક્ષકોના કુશળ માર્ગદર્શન હેઠળ શાળાનાં બાળકોએ માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ કલા મહાકુંભ, વિજ્ઞાન મેળો અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તાલુકાથી લઈ રાજ્ય સ્તરે ઝળહળતી સફળતા મેળવી ઇનામો જિત્યાં છે. અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, વિશાળ મેદાન અને સમ્રાટ ક્લાસ જેવી સુવિધાઓથી સજ્જ આ શાળાના પ્રોજેક્ટે આજે વૈશ્વિક ફલક પર પોતાનું નામ અંકિત કર્યું છે. પર્યાવરણ જાળવણીના આ ઉમદા કાર્યને વિશ્વ સ્તરે ઓળખ મળતા શાળા પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નાનાપોંઢાના વિકાસમાં માજી સરપંચોનું અમૂલ્ય પ્રદાન
નાનાપોંઢા ગામના સર્વાંગી વિકાસમાં અત્યાર સુધીના તમામ માજી સરપંચોનો ફાળો પાયાનો રહ્યો છે. ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં અનેક અગ્રણીઓએ પોતાનું નેતૃત્વ પૂરું પાડ્યું છે. ગામના ઇતિહાસમાં દુર્લભભાઈ લાખનભાઈ પટેલ, સોનજીભાઈ બચુભાઈ પટેલ અને કરશનભાઈ ગોવિંદભાઈ પટેલ જેવા પીઢ નેતાઓએ પાયાની કામગીરી કરી હતી. ત્યારબાદ ડાહ્યાભાઈ ડી.પટેલ, રમતુભાઈ દામુભાઈ પટેલ અને અમરતભાઈ કરશનભાઇ પટેલે ગ્રામીણ માળખાગત સુવિધાઓને વેગ આપ્યો હતો. તાજેતરના વર્ષોમાં મુકેશભાઈ જીવનભાઈ પટેલ, મહેશભાઈ જી.પટેલ અને શારદાબેન એમ.પટેલે શિક્ષણ, આરોગ્ય અને વહીવટી પારદર્શિતા ક્ષેત્રે નોંધપાત્ર સુધારા કર્યા છે. આ તમામ માજી સરપંચોના અનુભવ અને દૃષ્ટિકોણને કારણે આજે નાનાપોંઢા એક આદર્શ અને પ્રગતિશીલ ગામ તરીકે ઉભરી આવ્યું છે. ગ્રામજનો આજે પણ તેમની નિઃસ્વાર્થ સેવાઓને આદરપૂર્વક યાદ કરે છે.
પિકઅપ સ્ટેન્ડનો અભાવ


નાનાપોંઢા આજે પણ પાયાની સુવિધાથી વંચિત છે. અહીં કપરાડાનાં ૧૨૮ ગામો સહિત આસપાસનાં ૧૦૦થી વધુ ગામોના હજારો લોકો રોજબરોજ વિવિધ કામકાજ અર્થે આવે છે. વલસાડ, વાપી અને ધરમપુર ડેપોની બસો ૨૪ કલાક અહીંથી પસાર થાય છે, તેમ છતાં આઝાદીના આટલાં વર્ષો બાદ પણ અહીં એક કાયમી પિકઅપ સ્ટેન્ડ બની શક્યું નથી. પરિણામે, મુસાફરોએ કાળઝાળ ગરમી, કકડતી ઠંડી કે ધોધમાર વરસાદમાં ખુલ્લા આકાશ નીચે બસની રાહ જોવી પડે છે. જો કે, મુસાફરોની હાલાકી જોઈ વર્તમાન સરપંચ મુકેશભાઈ પટેલે માનવતાના ધોરણે પતરાંનો શેડ, બેસવા માટે બાકડા અને પીવાના પાણીની કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી રાહત આપી છે. તંત્ર દ્વારા અહીં સત્વરે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.
નાનાપોંઢાના સર્વાંગી વિકાસ માટે જીતુભાઈ ચૌધરીના પ્રયાસો: ખેડૂતો અને દર્દીઓ માટે સુવિધાનો પથ
ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની જહેમતથી નાનાપોંઢાને તાલુકો બનાવવાની દિશામાં વેગ મળ્યો છે. પંથકના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ખેડૂતોના હિતમાં એ.પી.એમ.સી. કાર્યરત કરી પાયાની સુવિધા ઊભી કરાઈ છે. બીજી તરફ, તેમના પુત્ર ડો.દિવ્યેશ પટેલ સંચાલિત ચિરંજીવી હોસ્પિટલ ગંભીર રોગો અને અકસ્માત સમયે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. આમ, જનપ્રતિનિધિ તરીકે જીતુભાઈએ વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે.

Most Popular

To Top