Vadodara

વડસરમાં SMCનો સપાટો, દારૂનુ ગોડાઉન ઝડપાયું, માંજલપુર પોલીસ ઉંઘતી ઝડપાઈ

ખુલ્લેઆમ ચાલતા દારૂના ધંધા પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 35થી વધુ પેટી જપ્ત, બે આરોપી ઝડપાયા, અન્ય ફરાર
વડોદરા તા.12
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે વડસર ગામના ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા વિદેશી દારૂના વેચાણ પર એસએમસીની ટીમે રેડ પાડી હતી. કાર્યવાહી દરમિયાન આશરે 35થી 40 પેટી જેટલો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વડસર ગામના ગોચર વિસ્તારમાં લાંબા સમયથી વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે ટીમે વોચ ગોઠવી અચાનક દરોડો પાડતા સ્થળ પરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, રેડ પડતા જ મુખ્ય આરોપીઓ સ્થળ છોડીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી બાદ ફરી એકવાર માંજલપુર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ હતી કે પછી આંખ આડા કાન કરી રહી હતી તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top