ઉત્તર-પૂર્વ ભારતના રાજકારણમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ મજબૂત બન્યું છે. અસામમાં NDA ગઠબંધનની ઐતિહાસિક જીત બાદ હિમંતા બિસ્વા સરમાએ સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યો છે. ગુવાહાટીના ખાનાપારા વેટરિનરી કોલેજ મેદાનમાં યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત NDAના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અસામ વિધાનસભાની 126 બેઠકોમાં NDA ગઠબંધને બે તૃતિયાંશ બહુમતી સાથે શાનદાર જીત મેળવી હતી. આ સાથે રાજ્યમાં સતત ત્રીજી વખત NDA સરકાર રચાઈ છે, જ્યારે હિમંતા બિસ્વા સરમા બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે ઉત્તર-પૂર્વમાં ભાજપના વિસ્તરણમાં હિમંતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે.
શપથવિધિ માટે ભવ્ય તૈયારીઓ
શપથવિધિ સમારોહને લઈને ગુવાહાટીમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. સમગ્ર ખાનાપારા વિસ્તારને હાઈ-સિક્યોરિટી ઝોનમાં ફેરવવામાં આવ્યો હતો. પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની કડક બંદોબસ્ત વચ્ચે લાખથી વધુ લોકો સમારોહમાં હાજર રહ્યા હોવાનું જણાવાયું છે. શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન, બેરિકેડિંગ અને મલ્ટી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ, નિર્મલા સીતારમણ, સર્વાનંદ સોનોવાલ, શિવરાજ સિંહ ચૌહાણ, ચિરાગ પાસવાન સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. વિવિધ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપ મુખ્યમંત્રીઓ પણ હાજરી આપી હતી.
ચાર મંત્રીઓએ પણ લીધા શપથ
હિમંતા બિસ્વા સરમા સાથે ચાર અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં ભાજપના અજંતા નેઓગ અને રમેશ્વર તેલી, AGPના અધ્યક્ષ અતુલ બોરા અને BPFના ચરણ બોરોનો સમાવેશ થાય છે. આથી NDA ગઠબંધનના સહયોગી પક્ષોને પણ સરકારમાં મહત્વનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.ભાજપના વરિષ્ઠ નેતા રણજીત દાસને વિધાનસભાના સ્પીકર પદ માટે NDA ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
હિમંતાનો વિકાસ અને ઓળખ પર ફોકસ
શપથવિધિ પહેલા હિમંતા બિસ્વા સરમાએ અસામની જમીન, સંસ્કૃતિ અને ઓળખને સુરક્ષિત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે આગામી સમયમાં અતિક્રમણ વિરુદ્ધ વધુ કડક અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી. સરમાએ 5 લાખ બીઘા જમીન અતિક્રમણમુક્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી સરકારનો મુખ્ય ફોકસ વિકાસ, કલ્યાણકારી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવાનો માટે રોજગાર સર્જન પર રહેશે.
કોંગ્રેસે કર્યો બહિષ્કાર
એક તરફ NDA શપથવિધિને ઐતિહાસિક ગણાવી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસે આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસે આ કાર્યક્રમને “ખર્ચાળ રાજકીય ઇવેન્ટ” ગણાવ્યો હતો. જોકે NDA સમર્થકો માટે આ સમારોહ શક્તિ પ્રદર્શન સમાન રહ્યો હતો.
ઉત્તર-પૂર્વમાં ભાજપ વધુ મજબૂત
હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળ ભાજપે ઉત્તર-પૂર્વમાં પોતાની રાજકીય પકડ વધુ મજબૂત બનાવી છે. રાજકીય નિષ્ણાતોના મતે અસામમાં સતત ત્રીજી વખત NDA સરકારનું ગઠન ભાજપ માટે મોટો રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યો છે. હિમંતા હવે એવા નેતાઓની યાદીમાં સામેલ થયા છે જેઓએ સતત બે વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે.