ગમખ્વાર અકસ્માતમાં સ્કોર્પિયો ચાલકની બેદરકારીએ ત્રણ માનવ જિંદગીઓ છીનવી, ઘટનાસ્થળે જ ત્રણેયના મૃત્યુ
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પોલીસ મથકની હદમાં અમદાવાદ-ગોધરા હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, વાવડી ખુર્દ ટોલનાકા પાસે આવેલી ચામુંડા હોટલ સામે એક સ્કોર્પિયો કારના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી માર્ગ પર જતી બે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

અકસ્માતની વિગતો મુજબ, સ્કોર્પિયો ગાડીના ચાલકે પહેલા સ્પ્લેન્ડર બાઈકને ટક્કર મારી હતી, જેના ચાલક ૨૦ વર્ષીય વિશાલકુમાર લક્ષ્મણભાઈ પરમાર અને તેમની પાછળ બેઠેલા ૧૬ વર્ષીય કિશોર જયદીપકુમાર ખેંગારભાઈ પરમારનું મૃત્યુ થયું હતું. આ સાથે જ કારે બીજી પલ્સર બાઈકને પણ અડફેટે લીધી હતી, જેમાં સવાર ૩૫ વર્ષીય નરેન્દ્રભાઈ ગણપતભાઈ પરમાર નું પણ ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ અવસાન થયું હતું.

અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયોનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની ગાડી ઘટનાસ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. આ મામલે મૃતક વિશાલકુમારના પિતા લક્ષ્મણભાઈ વણકરે ફરિયાદ નોંધાવતા પોલીસે સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે એફ.એસ.એલ.ની મદદ પણ માંગી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
રિપોર્ટર: આશિષ બારીયા