Vadodara

કાળઝાળ ગરમીમાં દર્દીઓને મોટી રાહત, SSG હોસ્પિટલમાં 50 જેટલા એર-કૂલર તૈનાત

સયાજી હોસ્પિટલ તંત્રનો માનવીય અભિગમ, મેડિસિન, સર્જિકલ અને હીટ-સ્ટ્રોક વોર્ડ સહિતના મહત્વના વિભાગો કૂલરથી સજ્જ કરાયા

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

વડોદરા : સમગ્ર રાજ્યમાં અત્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ છે અને તાપમાનનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે, ત્યારે વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીઓની સુખાકારી માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને ખડેપગે સેવા આપતા સ્ટાફને અસહ્ય લૂ અને ગરમીથી બચાવવા માટે હોસ્પિટલ સંકુલમાં 50 જેટલા એર-કૂલર કાર્યરત કરવામાં આવ્યા છે.

ગરમીની તીવ્રતાને જોતા, હોસ્પિટલના એવા વિભાગોને પ્રાથમિકતા આપવામાં આવી છે જ્યાં દર્દીઓની સંખ્યા વધુ હોય છે. મેડિસિન વોર્ડ જ્યાં તાવ અને અન્ય બીમારીના દર્દીઓ વધુ હોય છે. હીટ સ્ટ્રોક વોર્ડ જેમાં લૂ લાગવાથી દાખલ થયેલા દર્દીઓ માટે ખાસ ઠંડકની વ્યવસ્થા. સર્જીકલ અને ઓર્ટોપેડિક વોર્ડ માં ઓપરેશન બાદ રિકવરી લઈ રહેલા દર્દીઓને રાહત આપવા.

આ વ્યવસ્થા અંગે વધુ વિગતો આપતા હોસ્પિટલના RMO ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને ત્વરિત ધોરણે આ કૂલર ભાડા પેટે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે હોસ્પિટલના સ્ટાફે તેના મેન્ટેનન્સની ચિંતા કરવાની રહેશે નહીં. જે એજન્સી પાસેથી આ કૂલર ભાડે લેવાયા છે, તે એજન્સી જ તમામ કૂલરની સર્વિસિંગ અને જાળવણીની જવાબદારી સંભાળશે. જો કોઈ કૂલર બગડે તો તેને તુરંત રિપેર કરવાની જવાબદારી પણ તેમની જ રહેશે.

હોસ્પિટલના આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓમાં રાહત જોવા મળી રહી છે. અત્યાર સુધી ગરમીને કારણે વોર્ડમાં રહેવું મુશ્કેલ બનતું હતું, પરંતુ હવે કૂલરની ઠંડી હવાને કારણે સારવાર લઈ રહેલા લોકોએ તંત્રનો આભાર માન્યો છે. વડોદરામાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે SSG હોસ્પિટલનું આ ‘કૂલ’ આયોજન અન્ય સંસ્થાઓ માટે પણ ઉદાહરણ રૂપ બન્યું છે.

Most Popular

To Top