અમદાવાદમાં ગયા વર્ષે થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આગામી એક મહિનામાં અંતિમ તપાસ રિપોર્ટ જાહેર થઈ શકે છે.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાયેલા ‘ઈન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટ 2.0’ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં મંત્રીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) સંપૂર્ણ સ્વતંત્રતા અને પારદર્શિતાથી તપાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી તપાસ એજન્સીને તમામ જરૂરી સહાય અને ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક માટે ઉડાન ભર્યા બાદ થોડા જ સેકન્ડોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન મેઘાણીનગર વિસ્તારમાં આવેલી BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ કોમ્પ્લેક્સ પર તૂટી પડતાં ભયંકર આગ લાગી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર પણ અનેક લોકોના જીવ ગયા હતા. કુલ મળીને આશરે 260 લોકોના મોત થયાં હતાં.
પ્રાથમિક તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. તપાસમાં એવું માનવામાં આવ્યું હતું કે ઉડાન બાદ થોડા જ સમયમાં બંને એન્જિનમાં થ્રસ્ટ ઘટી ગયો હતો. કેટલાક રિપોર્ટમાં ફ્યુઅલ સપ્લાય અને કોકપિટ સિસ્ટમ સાથે જોડાયેલી ટેક્નિકલ ખામીઓની શક્યતા પણ દર્શાવવામાં આવી હતી. પાઈલોટ સંગઠનોએ પણ સરકાર સમક્ષ દસ્તાવેજી પુરાવા સાથે કેટલીક ટેક્નિકલ શંકાઓ રજૂ કરી હતી.
આ દરમિયાન કેટલાક વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં પાઈલોટની ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ હતી, પરંતુ ભારતની Aircraft Accident Investigation Bureau (AAIB)એ આવા દાવાઓને “અટકળો આધારિત” અને “અપૂર્ણ માહિતી” ગણાવીને નકારી કાઢ્યા હતા. તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું હતું કે અંતિમ રિપોર્ટ આવ્યા વગર કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.
કેન્દ્રિય મંત્રી રામ મોહન નાયડુએ વધુમાં જણાવ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હોવાથી તેની તપાસ પર વિશ્વસ્તરે નજર રાખવામાં આવી રહી છે. ઘણા દેશોના નાગરિકો વિમાનમાં સવાર હતા, જેથી અંતિમ રિપોર્ટ સંપૂર્ણ પારદર્શિતા અને આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર તૈયાર કરવામાં આવશે.
વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો તરફથી હજુ પણ ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલાક પરિવારો દ્વારા કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR)ની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય. સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે પીડિત પરિવારોને યોગ્ય વળતર અને સહાય મળી રહે તે માટે વિશેષ સેલ કામ કરી રહ્યો છે.હવે સમગ્ર દેશની નજર આ ફાઈનલ તપાસ રિપોર્ટ પર છે, કારણ કે તેનાથી ભારતના સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાંના એકનું સાચું કારણ સામે આવી શકે છે.