Vadodara

પાણીના ટેન્કરોની કામગીરીમાં કોઈ ક્ષતિ નથી, હદ બહાર પાણી અપાતું હોવાની વાત પાયાવિહોણી, પાલિકા

સ્થાનિક મીડિયાના અહેવાલો અંગે વડોદરા મહાનગરપાલિકાની ઝીણવટભરી તપાસ બાદ સ્પષ્ટતા

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

આજવા સરોવરની સપાટીમાં ઘટાડો થવાને કારણે વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા હાલમાં જે વિસ્તારોમાં હળવા દબાણથી પાણી મળે છે અથવા ટેન્કરની માંગણી હોય ત્યાં સ્થાનિક સભાસદોની રજૂઆતને આધારે ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. દરમિયાન, સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે ટેન્કરો શહેરની હદ બહાર મોકલવામાં આવે છે, એક જ સ્થળે એકસાથે બે ટેન્કરો પહોંચે છે અને ખૂબ જ ઓછા સમયમાં ફેરા પૂર્ણ કરવામાં આવે છે. આ ફરિયાદોને પગલે પાલિકા તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કામગીરીમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન હોવાનું સામે આવ્યું છે.

પાલિકાના જનસંપર્ક વિભાગની યાદીમાં જણાવાયું છે કે, પાણીની ટાંકીની નજીક આવેલા ફ્લેટના કિસ્સામાં ટેન્કરનું પાણી પાઇપ મારફતે સીધું અન્ડરગ્રાઉન્ડ સંપમાં ખાલી કરવાનું હોવાથી અનલોડિંગમાં અને ફેરામાં ઘણો ઓછો સમય લાગે છે. આ ઉપરાંત, જે ફ્લેટોમાં વધુ સંખ્યામાં ટેન્કરની જરૂર હોય ત્યાં લોકોના હિત માટે ઝડપથી પાણી પહોંચાડવા એકસાથે ૨ થી ૩ ટેન્કરો મોકલવામાં આવે છે. ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ પણ રુદ્રાક્ષ એલીગન્સ સહિતના વિસ્તારોમાં મોકલાયેલા ટેન્કરો GJ06-PC-5519 અને GJ06-PG-9355 ની જીપીએસ રિપોર્ટ દ્વારા ખાતરી કરવામાં આવી હતી.

પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે તમામ ટેન્કરોમાં GPS સિસ્ટમ સતત ચાલુ હોય છે. ઘણીવાર ઇજારદારના ટેન્કરો ડીઝલ ભરાવવા, મેન્ટેનન્સ કે અન્ય કામ માટે હાઇવે પાર કરીને કોર્પોરેશનની હદ બહાર જતા હોય છે, પરંતુ પાલિકાની ટાંકીમાંથી પાણી ભરીને શહેરની હદ બહાર વિતરણ કરાયું હોય તેવી કોઈ બાબત તપાસમાં જણાઈ નથી. વધુમાં, જ્યાં પાણી પહોંચાડાય છે તે અરજદારની સહી સાથેનું વિગત પત્રક પણ ખાતામાં રજૂ કરવામાં આવે છે. તંત્રે ઇજારદારને ક્ષતિરહિત કામગીરી કરવા તાકીદ કરી છે અને ભવિષ્યમાં કોઈ ચૂક જણાશે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

Most Popular

To Top