‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)એ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્યો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીના નેતા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની અટકાયત તેમ જ તેમની સામે થઈ રહેલી કાર્યવાહી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો પાર્ટી આગળના કડક પગલાં ભરશે.
સૌરવ દાસે જણાવ્યું કે આંદોલનને મુલતવી રાખવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે સરકાર તરફથી એવી ખાતરી આપવામાં આવી હતી કે હાલ અથવા ભવિષ્યમાં કોઈ પણ આંદોલનકારી સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ વિવિધ રાજ્યોમાંથી હજુ પણ વિદ્યાર્થીઓની અટકાયત અને તેમના વિરુદ્ધ કેસ નોંધાઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, જે આપેલા વચનથી વિરુદ્ધ હોવાનું તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે CJPની કાનૂની ટીમ હાલ આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના રાજ્યોમાં વકીલો સાથે મળીને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને કાનૂની મદદ પહોંચાડવા માટે કામ કરી રહી છે. જ્યાં પણ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યાં તેમની મુક્તિ માટે જરૂરી કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
સૌરવ દાસે કેન્દ્ર સરકારના નેતાઓ જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહને ટેગ કરીને કેટલીક સ્પષ્ટ માંગણીઓ પણ કરી છે. તેમણે માંગ કરી છે કે વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIR તાત્કાલિક પાછી ખેંચવામાં આવે, અટકાયતમાં રહેલા તમામ વિદ્યાર્થીઓને વિલંબ વિના મુક્ત કરવામાં આવે અને ભાજપ તથા NDA શાસિત રાજ્યોમાં આંદોલનકારીઓ સામે કોઈપણ પ્રકારની બદલાલક્ષી કાર્યવાહી બંધ કરવામાં આવે.
તેમણે જણાવ્યું કે સરકારે અગાઉ 28 જુલાઈ, 2026 સુધીમાં આ મુદ્દે લેખિત ખાતરી આપવાનું વચન આપ્યું હતું. હવે સરકાર તે વચનનું પાલન કરે તેવી CJPની અપેક્ષા છે. જો સરકાર પોતાના વચનથી પાછળ હટશે તો તે દેશના લાખો યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન ગણાશે. સૌરવ દાસે વધુમાં ચેતવણી આપી કે જો 28 જુલાઈ સુધીમાં અટકાયત કરાયેલા તમામ લોકોને મુક્ત કરવામાં નહીં આવે અને તેમના વિરુદ્ધ નોંધાયેલી FIR પાછી નહીં ખેંચાય, તો CJP આગળની રણનીતિ જાહેર કરશે અને વધુ કડક પગલાં ભરવા માટે મજબૂર બનશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ લડાઈ માત્ર થોડા લોકોની નહીં પરંતુ દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોના અધિકારોની છે. તેમના મતે લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો દરેક નાગરિકને અધિકાર છે અને વિરોધના કારણે વિદ્યાર્થીઓ સામે બદલાની ભાવનાથી કાર્યવાહી થવી યોગ્ય નથી. હાલ સરકાર તરફથી CJPના આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે 28 જુલાઈ સુધી સરકાર શું નિર્ણય લે છે અને વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી અંગે શું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર રહેશે.