
તાજેતરમાં હંટા વાયરસને લઈને દુનિયાભરમાં ચિંતા વધી છે. એક લક્ઝરી ક્રૂઝ શિપ પર કેટલાક મુસાફરોમાં હંટા વાયરસના કેસ મળ્યા બાદ ચર્ચા તેજ બની છે. આ જહાજ પર બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે હાજર હતા, જેના કારણે ભારતમાં પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, ICMR, WHO અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV) એ લોકોને ગભરાવાની જરૂર નથી એવી સ્પષ્ટતા કરી છે. NIVના ડિરેક્ટર ડો. નવીન કુમારે જણાવ્યું કે અત્યાર સુધી જે કેસો સામે આવ્યા છે તે છૂટાછવાયા છે. હાલ સુધી આ વાયરસના સામુદાયિક પ્રસારના કોઈ પુરાવા મળ્યા નથી. એટલે કે આ કોરોના જેવી ઝડપથી ફેલાતી સ્થિતિ નથી. તેમણે કહ્યું કે હાલમાં ભારત માટે આ કોઈ મોટો જાહેર સ્વાસ્થ્ય ખતરો નથી. WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે પણ આ મામલે કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ હાલનું જોખમ ઓછું ગણવામાં આવે છે. WHOના નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું કે હંટા વાયરસ સામાન્ય રીતે માણસથી માણસમાં સરળતાથી ફેલાતો નથી.
આ સમગ્ર મામલો ડચ ક્રૂઝ શિપ MV Hondius સાથે જોડાયેલો છે. આ જહાજ પર કુલ 150 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા. તેમાં 28 દેશોના લોકો સામેલ હતા. અત્યાર સુધી 8 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસોની પુષ્ટિ થઈ છે અને 3 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામનારાઓમાં એક ડચ મહિલાનો પણ સમાવેશ થાય છે. બે ભારતીય નાગરિકો આ જહાજ પર ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવતા હોવાથી ભારતમાં પણ આ સમાચાર ચર્ચામાં આવ્યા છે. જોકે, આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. HOના નિષ્ણાત મારિયા વેન કેરખોવે જણાવ્યું કે આ વાયરસ કોવિડ-19 જેવો નથી. તે મુખ્યત્વે નજીકના સંપર્કથી ફેલાય છે અને સામાન્ય રીતે ઉંદરો દ્વારા માણસોમાં પહોંચે છે. હાલમાં જહાજ પર તમામ લોકોને માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી છે અને અન્ય મુસાફરોની શોધખોળ પણ ચાલી રહી છે.
હંટા વાયરસ મુખ્યત્વે ઉંદરની લાળ, પેશાબ અને મળ દ્વારા ફેલાય છે. જ્યારે આ સૂકાઈ ગયેલા કણો હવામાં ભળે છે અને માણસ તેને શ્વાસ દ્વારા અંદર લે છે, ત્યારે સંક્રમણ થઈ શકે છે. ખાસ કરીને ગોદામો, જૂના સ્ટોરેજ વિસ્તાર, જહાજો અથવા ઓછી હવા આવતી જગ્યાઓમાં આ જોખમ વધારે હોય છે. નિષ્ણાતો કહે છે કે એશિયા અને યુરોપમાં જોવા મળતા હંટા વાયરસના પ્રકારોમાં માણસથી માણસમાં સંક્રમણ ખૂબ જ દુર્લભ છે. એટલે હાલમાં મોટા પાયે ફેલાવાની આશંકા ઓછી માનવામાં આવે છે. હંટા વાયરસના લક્ષણો સામાન્ય ફ્લૂ અથવા ડેન્ગ્યુ જેવા લાગે છે. સંક્રમણ પછી 1થી 5 અઠવાડિયામાં લક્ષણો દેખાઈ શકે છે.
ભારતની તૈયારી વિશે વાત કરીએ તો ડો. નવીન કુમારે જણાવ્યું કે દેશમાં હંટા વાયરસના ટેસ્ટ માટે પૂરતી વ્યવસ્થા છે. ICMR-NIV સહિત દેશભરમાં આવેલી 165 વાયરલ રિસર્ચ અને ડાયગ્નોસ્ટિક લેબ્સમાં RT-PCR ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. એટલે શંકાસ્પદ કેસોની ઝડપી તપાસ અને પુષ્ટિ કરી શકાય છે. નિષ્ણાતોએ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપી છે. તેઓ કહે છે કે ક્લાઇમેટ ચેન્જ, ભારે વરસાદ, પૂર અને બિનિયંત્રિત શહેરીકરણને કારણે આવા રોગોનું જોખમ વધી શકે છે. જ્યારે ઉંદરો માનવ વસાહતો તરફ ખસે છે, ત્યારે સંક્રમણની શક્યતા વધે છે. ખરાબ વેસ્ટ મેનેજમેન્ટ પણ ઉંદરોની સંખ્યા વધારવામાં મોટો ફાળો આપે છે. આથી નિષ્ણાતો લોકોમાં સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. ગભરાવાની જરૂર નથી, પરંતુ સ્વચ્છતા અને બચાવના પગલાં ખૂબ મહત્વના છે.
મુખ્ય લક્ષણો
- અચાનક તાવ અને માથાનો દુખાવો
- શરીરમાં દુખાવો અને ભારે થાક
- ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો
- ગંભીર કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફ
- કિડની પર અસર અને પેશાબ ઓછો થવો
બચાવ માટે શું કરવું?
- ગોદામો, સ્ટોરેજ એરિયા અને જહાજોમાં સ્વચ્છતા જાળવવી
- ઉંદરો હોય તેવી જગ્યાએ જતા સમયે માસ્ક પહેરવું
- ઘર અને આસપાસ કચરાનો યોગ્ય નિકાલ કરવો
- ઉંદરોના રહેઠાણથી દૂર રહેવું
- કોઈ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો