આપત્તિ સમયે મુસાફરોની સુરક્ષા માટે વિવિધ એજન્સીઓએ કર્યું જીવંત બચાવ પ્રદર્શન
હાલોલ, તા. 7 મે 2026
પાવાગઢ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી રોપવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બુધવારે NDRF દ્વારા મહત્વપૂર્ણ શોધ અને બચાવ મોક ડ્રિલ યોજાઈ હતી. આ અભ્યાસનો હેતુ આપત્તિના સમયમાં વિવિધ એજન્સીઓ વચ્ચે ઝડપી સંકલન અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

મોક ડ્રિલ દરમિયાન NDRF ટીમ, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) દ્વારા જીવંત બચાવ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપત્તિ સર્જાય તેવી પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો, મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા અને જરૂરી સાધનોનો સમયસર ઉપયોગ કરવો તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં રોપવે સ્ટાફ, હાલોલ મામલતદાર, જિલ્લા SOG, જિલ્લા LCB, પાવાગઢ પોલીસ તંત્ર, હાલોલ તાલુકા વહીવટી તંત્ર, પાવાગઢ સરપંચ તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા.

આ મોક ડ્રિલ દ્વારા આપત્તિના સમયમાં સંકલિત કામગીરી અને ઝડપી બચાવ વ્યવસ્થામાં વધુ સજ્જતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર ; યોગેશ ચૌહાણ