ગ્રાહકોને રૂબરૂ હાજર રહેવા મજબૂર કરાતા હોવાની ચર્ચા, વર્ષોથી ગેરરીતિ ચાલતી હોવાનો દાવો
સંખેડા, તા. 7 મે 2026
સંખેડા પોસ્ટ ઓફિસ ખાતે સેવિંગ્સ પોસ્ટ ડિપોઝિટના એજન્ટોની જગ્યાએ તેમના મળતિયાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક લોકો એજન્ટોની સહી કરી પોસ્ટ ઓફિસમાં વિવિધ નાણાકીય વ્યવહારો પાર પાડતા હોવાનું જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, ઉંમરલાયક અથવા બીમાર વ્યક્તિઓ પોતે પોસ્ટ ઓફિસે આવી શકતા ન હોય ત્યારે તેમના વાઉચર પર સહી કરીને અન્ય વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. જોકે આવા કિસ્સાઓમાં પોસ્ટ ઓફિસના અધિકારીઓ ગ્રાહકોને રૂબરૂ હાજર રહેવા માટે આગ્રહ રાખતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સંખેડા પોસ્ટ ઓફિસમાં વર્ષોથી કેટલાક એજન્ટોને છાવરવામાં આવી રહ્યા છે, જ્યારે સામાન્ય ગ્રાહકોને નાની નાની બાબતોમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે યોગ્ય તપાસ કરી પારદર્શક કામગીરી સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર— સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા