બે અધિકારીઓ ગંભીર ઇજાઓ પહોંચી
ગોધરા: પંચમહાલ જિલ્લામાં ભૂમાફિયાઓ હવે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. કાલોલ તાલુકાના ઘૂસર ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ હુમલામાં બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી વિગતો અનુસાર, પંચમહાલ ખાણ-ખનીજ વિભાગને કાલોલના ઘૂસર ગામે નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમ તપાસમાં પહોંચી હતી, જ્યાં નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા 6 જેટલા ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોતાના ટ્રેક્ટરો પકડાઈ જતાં ઉશ્કેરાયેલા અંદાજે 8 જેટલા શખ્સોના ટોળાએ સરકારી ટીમ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ જબરદસ્તીથી ખાણ-ખનીજ વિભાગની ટીમે પકડેલા તમામ ટ્રેક્ટરો છોડાવી લીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.ભૂમાફિયાઓના આ હિંસક હુમલામાં માઈન્સ સુપરવાઇઝર કેયુર સેન્જેલિયા અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર કર્મરાજ જાડેજા ઇજાગ્રસ્ત થયા હતા, બંને ઘાયલ અધિકારીઓને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

સરકારી કર્મચારીઓ પર થયેલા આ હુમલાને પગલે વહીવટી તંત્રમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હાલ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર: આશિષ બારીયા