બંધ મકાનનું તાળું તોડી રૂ.1.05 લાખના દાગીના અને રોકડ લઇ બાઈક પર રફુચક્કર, સીસીટીવી કેમેરામાં બાઇક સવાર ચોર ત્રિપુટી કંડારાઈ
વડોદરા, તા. 7
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા નવી ધરતી નાગરવાડા ખાતે વહેલી સવારે બાઈક સવાર ચોર ત્રિપુટી મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી 15 મિનિટમાં જ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂ.1.05 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ હતી. પરોઢિયે થયેલી ચોરીના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. કારેલીબાગ પોલીસે ગુનો નોંધી ચોર ત્રિપુટીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
નાગરવાડા વિસ્તારમાં આવેલા સંતોષી માતાના ખાંચામાં રહેતા વિણાબેન રમેશચંદ્ર રાણા પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારના સભ્યો અલગ-અલગ મકાનમા તથા છત પર સુતા હતા. 6 મેની વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં વિણાબેન બીજા મકાનમાં નાહવા-ધોવા માટે ગયા હતા. તે દરમિયાન તેમની નજર પોતાના મકાન તરફ જતા દરવાજા પર પડી હતી, જ્યાં દરવાજો ખુલ્લો અને અંદરની લાઈટ બંધ જોવા મળી હતી. સાથે જ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મોઢા પર રૂમાલ બાંધી ટુ-વ્હીલર પર જતા નજરે પડ્યા હતા.
પ્રથમ નજરે પરિવારના જ કોઈ સભ્ય હોવાનું માન્યા બાદ વિણાબેને પોતાના પુત્રવધૂ ભાવિકાબેનને ફોન કર્યો હતો. જોકે પરિવારનો કોઈ સભ્યો નીચે ન ઉતર્યા હોવાનું જાણવા મળતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. ઘરમાં તપાસ કરતાં ઘરના લોખંડના દરવાજાનો નકૂચો તૂટેલો જોવા મળ્યો હતો. તિજોરી અને કબાટ ખુલ્લા હાલતમાં મળી આવ્યા હતા તેમજ ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.
પરિવારે તપાસ કરતાં તિજોરીમાં રાખેલા સોનાની બે કડી, ચાંદીની ચેન, પાયલ, વીંટી, કંદોરી, બેલેટ સહિતના દાગીના તેમજ રૂ.40 હજાર રોકડ મળી કુલ આશરે રૂ.1.05 લાખની માલમત્તા ચોરી થઈ ગયાનું બહાર આવ્યું હતું.
તેઓએ બનાવ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.