આઈકાર્ડ વિના આવેલા કોન્ટ્રાકટના કર્મીઓ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરાયું હોવાના આક્ષેપ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરમાં ફરી એક વખત સ્માર્ટ વીજ મીટર સામે વિરોધ જોવા મળ્યો છે. શહેરના મકરપુરા એસટી ડેપો નજીક હવેલી પાસે આવેલા શિવમ પેરેડાઇઝમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા રહીશોની પરવાનગી લીધા વગર સાત પૈકી બે ટાવરોમાં સ્માર્ટ વીજ મીટર લગાવતા વિવાદ થયો હતો. સ્થાનિક રહીશો અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. રહીશોએ કર્મચારીઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

મકરપુરા એસટી ડેપો નજીક આવેલા શિવમ પેરેડાઇઝમાં કુલ સાત ટાવર આવેલા છે. ગુરુવારે અહીં એ અને બી ટાવરમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટ ના માણસો સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા. સ્થાનિક રહીશોની જાણ વિના સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવતા સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

સ્થાનિક રહીશોના કહ્યા મુજબ એક અઠવાડિયા પહેલા આ લોકો આવ્યા હતા. એમને અમે ના પાડી હતી અને કીધું હતું કે બધા ટાવરના પ્રમુખોને મળીને જો એ પરમિશન આપે તો તમે મીટર બદલજો, બાકી પરવાનગી વિના બદલતા નહીં. તેમ છતાં આજે બધાને પૂછ્યા વગર ગેરકાયદેસર સોસાયટીમાં એન્ટ્રી કરી અને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના મીટર બદલીને ગયા છે. અમારી બધી મહિલાઓ નીચે ઉતરી હતી. ત્યારે, ખબર પડી કે આ લોકો મીટર બદલે છે. ત્યારે આવીને અમે એમને જણાવ્યું કે, કોની પરમિશનથી બદલો છો તો એ લોકો બધા અમને પોલીસની ધમકી આપવા લાગ્યા.

અમે એમની પાસે આઈડી પ્રુફ માંગ્યું કે તમારું આઈડી પ્રૂફ બતાવો, તમે જીઈબી માંથી કે ક્યાંથી આવ્યા છો? તો એમને કીધું કે અમે કોન્ટ્રાક્ટ ના માણસો છીએ હવે એમની પાસે આઈડી પ્રૂફ પણ ન હતું. એમણે એમના ઉપલી અધિકારીઓને ફોન કર્યો તો એમને પણ અમે પૂછ્યું કે, અંદર એન્ટ્રી કેવી રીતે કરી પરવાનગી લીધા વિના તો પણ સાહેબો ફોન પર અમને ધમકી આપે છે કે, પોલીસ આવે છે તમને પોલીસ સ્ટેશન જવું પડશે પણ અમે જે પૂછ્યું એનો જવાબ આપતા નથી. અમે મીટર બદલવાની ના નથી પાડતા પણ અમને જ્યારે સંતોષ થશે ત્યારે બદલીશું પણ અમારી પરમિશન વગર બદલશે એ નહીં ચાલે.